સિંચાઈ યોજના ભૂમિપુત્રો માટે આફતરૂપ યોજના બની
સિંચાઈ યોજના ભૂમિપુત્રો માટે આફતરૂપ યોજના બની : બે જુદી-જુદી કેનાલમાં ગાબડાં પડતા ૫૦ વીઘાના ઘઉંના પાકનો સોથ વાળ્યો
અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં સિંચાઈ યોજના અંતર્ગત ડેમ માંથી પાણી વિવિધ કેનાલ મારફતે ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે જીલ્લામાંથી પસાર થતી કેનાલ ના નિર્માણ, સમારકામ અને સાફ સફાઈ માટે વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરવા છતાં કેનાલમાં ભંગાણ સર્જાતા લાખ્ખો લીટર પાણી વેડફાટ સાથે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો નો ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ જતા અનેકવાર મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે
કુદરતી આફતની થપાટ માંથી અરવલ્લી જીલ્લાના ખેડૂતોને હામ વળી નથી ત્યારે માનવસર્જિત આફતથી ખેડૂતોની હાલત દયનિય બની છે વાત્રક કેનાલમાં સાયફનમાં પડેલા ગાબડું પાડવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે નારમિયાની મુવાડી ગામ નજીક પસાર થતી વાત્રક કેનાલમાં ગાબડું પડતા નજીક આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા ૫૦ વિઘાથી વધુ જમીનમાં વાવણી કરેલા ઘઉંના પાકનો સોથ વળી જતા ખેડૂતોમાં ચોમાસુ ખેતી નિષ્ફળ ગયા પછી રવિ સીઝન પર પણ પાણી ફરી વળતા ખેડૂતોએ વળતરની માંગ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે
ઉમેદપુર ગામ પાસેથી પસાર થતી મેશ્વો કેનાલમાં પણ ભંગાણ પડતા પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ખેડૂતોના જણાવ્યા અનુસાર કેનાલમાં સફાઈ ન થતા કેનાલમાં ઝાડી-ઝાંખરા અને કચરાના ઢગલા ખડકાયેલા હોવાથી જળાશયોમાંથી પાણી છોડવામાં આવતા કેનાલમાં અવરોધ સર્જાતા કેનાલમાં ગાબડાં પડી રહ્યા હોવાનું જણાવ્યું હતું ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યું તેના માટે જવાબદાર કોણ…? તેવા સવાલ ખેડૂતોને મૂંઝવી રહ્યા છે આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરની સ્થળ તપાસ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે હાલ તો બે જુદી-જુદી કેનાલમાં ભંગાણ થતા ઘઉંથી ભરેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ જવાની નોબત આવી છે