સિંધુભવન રોડ પરના નબીરાઓ સામે કાર્યવાહી ક્યારે ??
ગુજરી બજાર, જી.એમ.ડી.સી મામલે કાર્યવાહી તો…
સોશિયલ ડીસ્ટન્સીંગના લીરે લીરા સાથે ક્રિકેટના ગ્રાઉન્ડની સાથે રોડ પર માલેતુજારોનો અડીંગો ! આડેધડ ગાડી પાર્કીંગની સમસ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં કોરોનાના સંક્રમણના કેસો વધી રહયા છે ત્યારે પરિસ્થિતિની ગંભીરતા હજુ પણ લોકો સમજી નથી રહયા. અનલોક જાણે કે મોજમજા કરવા આપવામાં આવ્યુ હોય તેમ વર્તન થઈ રહયુ છે. માસ્ક નહી પહેરવુ, સોશિયલ ડીસ્ટન્સીંગનો અભાવ રાખવો છતાં તંત્રની સામે દાદાગીરીથી વર્તન કરવાના કિસ્સા રોજબરોજ પ્રકાશમાં આવી રહયા છે. સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડી રહયા છે. ગઈકાલે રવિવારનો દિવસ હોવાથી જાણે કે કોરોનાને ભૂલી જવાનો સમય હોય તેમ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા ઉમટી પડયા હતા. અહીંયા રવિવારે કાયમ કેટલીય ટીમો રમવા આવે છે બે ટીમો વચ્ચે મેચો પણ રમાય છે તો ઘણા અંદરો અંદર ક્રિકેટ રમતા જાેવા મળે છે. ગઈકાલે તો ક્રિકેટ રસિયાઓએ હદ કરી નાંખી.
કોરોનાને ભૂલી સેંકડો લોકો ક્રિકેટ રમવા ઉમટી પડયા અને બધા નિતિ- નિયમો ભૂલાઈ ગયા. છેવટે પોલીસની જીપ આવી ત્યારે રીતસરની ભાગમભાગી થઈ ગઈ. તેવી જ રીતે ગુજરી બજાર, રીવરફ્રંટ પર પણ હકડેઠઠ ભીડના દ્રશ્યો સર્જાયા હતા. અહીંયા પોલીસ તથા કોર્પોરેશનની ટીમોએ આવીને કાર્યવાહી કરી હતી. પોલીસને અને કોર્પોરેશનના અધિકારીઓને આ તમામ સ્થળો દેખાય છે કાર્યવાહી કરે છે તે સારી વાત છે.
પરંત સિંધુભવન રોડ પર આસપાસના મેદાનો કેમ દેખાતા નથી ! આ વિસ્તારમાં ક્રિકેટ મેચો રમાય છે. યુવાનો- યુવતીઓ રોડ પર આડેધડ કાર- વ્હીકલ પાર્કીંગ કરીને ઉભા રહે છે સોશિયલ ડીસ્ટન્સીંગના લીરેલીરા ઉડતા હોવા છતાં પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી. લોકો તો કહે છે કે આ સ્થાન માલેતુજારોનું છે
પૈસાદારોના પાલ્ય આવતા હોવાથી પોલીસ કે વહીવટીતંત્ર તેમની સામે શિસ્તભંગના પગલા લઈ શકતુ નથી ?? શું ગરીબો અને માલુતુજારો માટે કાયદો અલગ – અલગ છે. ગરીબ કે માલેતુજાર હોવાની વાતનો વિરોધ નથી એ તો સૌ કોઈ પોતાનુ નસીબ લઈને જન્મ લેતા હોય છે પરંતુ શહેરમાં તમામ સ્થળોએ કાયદાકીય કાર્યવાહી થતી હોય તો સિંધુભવન કેમ બાકાત રહી જાય છે.
સિંધુભવન- સોલા વિદ્યાપીઠની પાછળના મેદાનો સહિત તમામ સ્થળોએ ક્રિકેટના મેદાનો હાઉસફુલ હોય છે સિંધુભવન રોડ પર તો મોંઘીદાટ ગાડીઓ વ્હીકલ પાર્ક કરેલા જાેવા મળે છે. જે લોકો કાયદાનો ભંગ કરતા હોય કમ સે કમ તેમની સામે દંડનાત્મક કાર્યવાહી તો કરવી જાેઈએ કે નહી ?? તેમ ત્યાંથી પસાર થતા અનેક નાગરિકોનું કહેવુ છે. સત્તાતંત્ર વ્હાલા-દવલાની નીતિ તો અપનાવી નથી રહયા ને ?? આવા અનેક સવાલો નાગરિકોના મનમાં ઉદ્ભવી રહયા છે. સિંધુભવન જાણે કે માલેતુજાર નબીરાઓની બેઠકનું કેન્દ્ર બની ગયું છે.