સિંધુ ભવન રોડ પરનું પાન પાર્લર ગંદકી કરવા બદલ સીલ કરાયું
(એજન્સી) અમદાવાદ, શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કીટલી વગેરે સ્થળોએ થતો પેપર કપ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ તથા તેના વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરતા એકમો તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખતા ધંધાર્થીઓ સામે સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
આ ચેકિંગ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો કે શખ્સો વિરુદ્ધ જીપીએમસી એકટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. દરમિયાન આ કાર્યવાહી અંતર્ગત ગઈકાલે બોડકદેવના સિંધુ ભવન રોડ પર આવેલા પંડિતજી પાન પાર્લરને તંત્રએ ગંદકી કરવા બદલ સીલ કરી દીધું હતું.
સિંધુ ભવન રોડ પરના પંડિતજી પાન પાર્લરને જાહેર રોડ પર ગંદકી કરવાના મામલે તંત્રના તાળાં લાગ્યા હોવાની વિગતો જાણવા મળી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તેના નિયમોના ઉલ્લંઘનના મામલે કુલ ૧પ જેટલા એકમોની સઘન તપાસ હાથ ધરી હતી અને આ પ્રકારના કૃત્ય બદલ એક એકમને નોટિસ ફટકારી હતી તેમજ કસૂરવાર ધંધાર્થી પાસેથી રૂ.પ,૦૦૦નો વહીવટીચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.