સિંધુ ભવન રોડ પર થતી ડ્રગ્સ પાર્ટી પર પોલીસની બાજ નજર
અમદાવાદ, ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ માફિયાઓએ પોતાનુ નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘુસાડી દીધુ છે કે જેનો હિસ્સો એજ્યુકેેટેડ લોકો પણ બની ગયા છે.
યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડૂબી ગયા છે કે હવે ડ્રગ્સ માફિયાઓએ ફાવતું મળી ગયુ છે. ડ્રગ્સ માફિયાને તો પોલીસ રોકી રહી છે પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઇવે સહિતના પોશ વિસ્તારોમાં જ્યાં યુવાનો ડ્રગ્સની પાર્ટી કરતા હોય છે ત્યાં પોલીસે બાજ નજર રાખવાનું શરૂ કરી દીધું છે.
આજનો યંગસ્ટર તૈયાર થઇને ધૂમ સ્ટાઇલ વાહન લઇને સિંધુ ભવન રોડ પર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે સમી સાંજે નીકળી પડે છે. યંગસ્ટર સિંધુ ભવન રોડ પર તેમજ એસ.જી. હાઇ વે પર આવેલી હોટલ, રેસ્ટોરાં તેમજ કાફેની બહાર મોજ મસ્તી કરતો હોય છે જ્યારે કેટલાક લોકો આ મોજમસ્તીમાં નશાની કિક પણ ઉમેરી દેતા હોય છે. એમ.ડી, ચરસ, ગાંજાે અફિણ, કોકેન, હેરોઇન જેવો નશો કરતા હોય છે જ્યારે કેટલાક મધ્યમ વર્ગના લોકો કફ સિરપ જેવો સસ્તો નશો કરતા હોય છે. તો કેટલાક લોકો દારૂ તેમજ બિયરની પાર્ટી પણ કરતા હોય છે.
મોડી સાંજે અમદાવાદ ગોવામાં તબદિલ થાય છે ઃ પાર્કિંગમાં કાર અને તેમાં પણ કાળા કલરની ફિલ્મવાળા કાચ હોય તો યુવાનોને મજા મળી જતી હોય છે. કાળી ફિલમવાળી કારમાં ડ્રગ્સની સાથે સાથે શારીરિક રિલેશન પણ બંધાતા હોય છે. સાંજ પડે એટલે અમદાવાદ ગોવામાં બદલાઇ જાય અને પાર્ટીઓનો દોર શરૂ થાય છે. શહેમાં ડ્રગ્સ પાર્ટીને રોકવા માટે પોલીસ સજ્જ થઇ છે.
સાદા કપડા પહેરીને પોલીસ કર્મચારીઓની ચાંપતી નજર ઃ ઝોન સાતના ડીસીપી પ્રેમસુખ ડહેલુએ જણાવ્યું છે કે ડ્રગ્સ પાર્ટીને તેમજ અન્ય નશાની પાર્ટીઓને રોકવા માટે પોલીસે ઠેર ઠેર વોચ શરૂ કરી દીધી છે. પોલીસ કર્મચારીઓના સાદા કપડા પહેરીને એસ.જી. હાઇવે તેમજ સિંધુ ભવન રોડ ઉપર નશો કરનાર તેમજ દૂષણ ફેલાવનાર યુવકો અને યુવતી ઉપર નજર રાખી રહ્યા છે.
બોપલ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સકાંડમાં યુવતીઓની સંડોવણી ઃ બોપલ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સકાંડના મામલામાં મોડો ખુલાસો થયો છે. સમગ્ર કેસમા અત્યાર સુધી શહેરના માલેતુજાર લોકોનાં દીકરાઓના નામ સામે આવ્યા હતા. પરંતુ હવે આ કેસમાં શહેરમાં ધનાઢ્ય અને મોટા ગજાના પરિવારની દીકરીઓના નામ પણ સામે આવવા લાગ્યા છે.
હાલ આ ઘટનામાં ત્રણ જેટલી યુવતીઓના નામ પણ સમગ્ર કેસમાં સામે આવ્યા છે, તમામ યુવતીઓ વંદિત પટેલ પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી. ત્રણેય યુવતીઓ આરોપી વંદિત પટેલ પાસેથી અમેરિકી ડ્રગ્સ ખરીદતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.