“મેં નિવૃત્તી લીધી છે”, સિંધૂની પોસ્ટથી પ્રસંશકો ચોંકી ગયા
નવી દિલ્હી: ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ વિજેતા સ્ટાર શટલર પીવી સિંધુએ સોમવારે પોતાના ચાહકો અને બેડમિન્ટન પ્રેમીઓને મોટો ઝટકો આપ્યો હતો.
તેણે ટિ્વટર પર એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ડેનમાર્ક ઓપન અંતિમ હતી, હું નિવૃત્ત થઈ રહી છું. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી.
સિંધુએ લખ્યું હતું કે, હું છેલ્લા કેટલાક સમયથી મારી લાગણીઓ વ્યક્ત કરવાનું વિચારી રહી હતી. હું માનું છું કે હું તેનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી છું. આ એટલું ખોટું છે, તમે જાણો છો.
આ જ કારણ છે કે હું આજે તમને તે જણાવવા માટે લખી રહી છું કે મેં કર્યું છે. રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ વિજેતા દેશની ટોચની બેડમિન્ટન ખેલાડીએ આગળ લખ્યું છે કે,
હું માનું છું કે આને વાંચીને તમને આઘાત લાગ્યો હશે કે પછી તમે ભ્રમિત થયા હશો પરંતુ જ્યારે તમે આ પોસ્ટને આખી વાંચશો ત્યારે તમે મારા વિચારોને સમજશો અને આશા રાખું છું કે મને સપોર્ટ પણ કરશો.
સિંધુની આ પોસ્ટ એક મેસેજનો ભાગ છે જે કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતાને લઈને છે. સિંધુએ આ પોસ્ટથી પોતાના ચાહકોને આઘાત પહોંચાડ્યો હતો. પહેલી નજરે તો લોકોને લાગ્યું કે તેણે નિવૃત્તિ લઈ લીધી છે અને ડેનમાર્ક ઓપન તેની અંતિમ ટુર્નામેન્ટ હતી. જોકે, આખી પોસ્ટ વાંચ્યા બાદ લોકોને ખરા સંદેશનો ખ્યાલ આવ્યો હતો.
કોરોના રોગચાળાને આંખો ખોલનારો ગણાવતા સિંધુએ લખ્યું છે કે, આ રોગચાળો મારા માટે આંખો ખોલનારો રહ્યો. હું સૌથી મજબૂત હરીફ સામે લડવા માટે મહેનત કરી શકું છું.
મેં પહેલા પણ આવું કર્યું છે અને હું ફરીથી આવું કરી શકું છું. પરંતુ આ અદ્રશ્ય વાયરસને કેવી રીતે હરાવીશ જેનાથી આખી દુનિયા પરેશાન થઈ ગઈ છે. તેણે આગળ લખ્યું છે કે, ઘરમાં ઘણા મહિનાઓ થઈ ગયા છે અને જ્યારે પણ અમે ઘરનીબહાર જઈએ છીએ ત્યારે પોતાની જાતને સવાલ કરીએ છીએ.
આ બધુ સમજીને અને ઘણી હ્રદયદ્રાવક ઘટનાઓ અંગે વાંચીને મને મારા અને આ દુનિયા વિશે ઘણું બધું જાણવાની તક મળી છે. ડેનમાર્ક ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં સક્ષમ ન હોવાથી તે અંતિમ પડાવ હતો.
૨૫ વર્ષીય શટલરે લખ્યું છે કે, આજે મેં અશાંતિની આ વર્તમાન પરિસ્થિતિમાંથી રિટાયર થવાનો ર્નિણય લીધો છે. હું આ નકારાત્મકતા, સતત ડર, અનિશ્ચિતતાથી રિટાયર થઈ રહી છું.
મેં અજ્ઞાનમાંથી રિટાયર થવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તેનાથી પણ સૌથી મહત્વની વાત એ છે કે ખોટા સ્વચ્છતા માપદંડો અને વાયરસ પ્રત્યે આપણા અભાવગ્રસ્ત વલણથી હું રિટાયર થવા ઈચ્છું છું. આપણે તેનાથી પાછળ હટવું જોઈએ નહીં, આપણે સારી રીતે તૈયાર રહેવાની જરૂર છે. આપણે એક સાથે મળીને વાયરસને હરાવવાનો છે.
આપણે આજે જે પસંદ કરીશું તે આપણા ભવિષ્ય અને આવનારી પેઢીની વ્યાખ્યા નક્કી કરશે. આપણે તેમને નિરાશ કરી શકીએ નહીં.
ડેનમાર્કઓપન ઓક્ટોબરમાં રમાઈ હતી અને મહિનાઓના લોકડાઉન બાદ શરૂ થનારી આ પ્રથમ બેડમિન્ટન ટુર્નામેન્ટ હતી. જેમાં સિંધુએ ભાગ લીધો ન હતો.
સિંધુએ પોતાની પોસ્ટના અંતમાં રાહત આપતા શબ્દોમાં લખ્યું હતું કે, મેં કદાચ તમને નાનકડો હાર્ટએટેક આપ્યો છે, પરંતુ હાલના સમયમાં અભૂતપૂર્વ ઉપાયોની જરૂરીયાત છે. મને લાગે છે કે તેનાથી મારે તમારું ધ્યાન મેળવવાની જરૂર હતી.