Western Times News

Gujarati News

સિંહણ છત પર ચઢી જતાં ગીરના ફાટસર ગામમાં ગ્રામજનોમાં ભયનો માહોલ

પ્રતિકાત્મક

સિંહણને ગરમી લાગી તો છાપરે જઈને નળિયાની ઠંડકમાં બેઠી-આખરે કલાકની મહામહેનતે વન વિભાગના અધિકારીઓ સિંહણને જંગલ તરફ લઈ જવામાં સફળ થયા હતા

રાજકોટ, બળબળતો તાપ અને ગરમી માણસને જ લાગે તેવું નથી પશુ પંખીની સાથે સાથે જંગલના રાજા પણ ગરમીથી ત્રસ્ત છે અને ઠંડક મેળવવા માટે છેટ ગામમાં અંદર આવી જાય છે. આવી જ એક ઘટના દુનિયામાં એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરમાં બની છે.

જ્યાં ઉનાળાની ગરમીથી થોડી રાહત મેળવવા માટે સિંહ હવે બેબાકળાપણે ઠંડી જગ્યાઓ શોધી રહ્યા છે. ત્યારે આવી જ એક સિંહણ ગરમીથી ઠંડક શોધતી શુક્રવારની રાત્રે ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં કાચાના ઘરના નળિયા પર જઈ ચડી હતી અને આરામ ફરમાવી રહી હતી.

જાેકે જ્યારે ત્યાંથી પસાર થતા વ્યક્તિએ આ જાેયું તો તેણે ઘરમાં રહેતા લોકોને ચેતવ્યા અને આસપાસમાં તો લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામમાં એક રાહદારીએ રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સિંહણને લાલભાઈ મેસિયાના ઘરની માટીની છત પર આરામ કરતી જાેઈ હતી.

સિંહણ છત પર પહોંચવા માટે ૧૫ ફૂટ ચડી હતી. તેણે ઘરના માલિક સાથે અન્ય ગ્રામજનોને જાણ કરી અને ટૂંક સમયમાં જ ગભરાયેલા ગ્રામજનો છત પર મફત લાયન સફારી જાેવા માટે ભેગા થયા! જાે કે, સિંહણ માટીના નળિયાની ઠંડક અને ઠંડી પવનની લહેર વચ્ચે પોતાની જાતને ઠંડક આપવામાં એટલી તલ્લીન હતી કે તેને માણસોની આટલી હાજરીનો પણ કંઈ જ ફરક પડ્યો નહીં અને તે બિન્દાસ્ત બેઠી રહી. આ ઘટના અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી

અને જસાધાર રેન્જની એક ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધી સિંહણ એક રાજ્યની સમ્રાજ્ઞી હોય તેમ ગૌરવભેર એ જ જગ્યાએ બેઠી રહી હતી. વન અધિકારીઓ આવ્યા બાદ પહેલા તો તેમણે ગામના લોકોને દૂર કર્યા હતા પછી સિંહણને જંગલ તરફના વિસ્તારમાં લઈ ગયા હતા. જે બાદ ગ્રામજનોમાં હાશકારાની લાગણી પ્રસરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગીર-ગઢડા તાલુકાના ફાટસર ગામે રહેતા લાલભાઈ ગોરધનભાઈ મેસિયાના નળિયાવાળા ઝૂંપડાની છત પર ગત રાત્રિના રોજ સિંહ આવી ચડ્યો હતો. સિંહ છત ઉપર બેસી આરામ ફરમાવતો હતો. એ સમયે ત્યાં નજીકથી કોઈ ગ્રામજન નીકળતાં તેનું ધ્યાન પડતાં ઘડીભર તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

બાદમાં ગ્રામજનોએ ઝૂંપડામાં રહેતા લાલભાઈને બહાર બોલાવી સિંહ તેમના ઝૂંપડાની છત પર હોવાનું જણાવતાં તરત જ અંદર રહેલા પરિવારના તમામ સભ્યો ડરના માર્યા બહાર દોડી આવ્યા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતાં સિંહ જાેવા ગ્રામજનો એ વિસ્તારમાં દોડી આવ્યાં હતાં અને આ અંગે વન વિભાગને જાણ કરી હતી.

જેથી સ્થળ પર દોડી આવેલા વનકર્મીઓએ સિંહને છત ઉપરથી નીચે ઉતારી જંગલ તરફ લઈ જવા તજવીજ હાથ ધરી હતી. આમ, એકાદ કલાક સુધી સિંહે છત પર બેસી આરામ ફરમાવ્યો હતો, એ સમયે ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.