Western Times News

Gujarati News

સિંહના શિકારની આશંકાએ વન વિભાગ દોડતું થઈ ગયું

પ્રતિકાત્મક

રાજકોટ: બુધવારે એક સિંહબાળ ઈજાગ્રસ્ત હાલતમાં ટ્રેપમાં ફસાયેલું મળી આવતા ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગેરકાયદે સિંહના શિકારની આશંકાએ દોડતું થઈ ગયું હતું. આ સાથે જ ગીર-સોમનાથ જિલ્લામાં સિંહણના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલો શંકાસ્પદ વ્યક્તિ પણ મળી આવ્યો હતો.

આ શંકા ત્યારે વધુ ગાઢ બનતી ગઈ જ્યારે શંકાસ્પદ વ્યક્તિ પહેલા વેરાવળની હોસ્પિટલમાં એડમિટ થયો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો. ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લાની જુદી જુદી જગ્યાઓમાંથી કુલ ૫૬ જેટલા વ્યક્તિઓને ડિટેઈન કરવામાં આવ્યા છે,

ઉપરાંત સિંહણના હુમલામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ સહિત ૪ની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઘટના બાદ વન વિભાગ હરકતમાં આવી ગયું છે. વન વિભાગના અધિકારીઓને સુત્રાપાડા નજીકના ખાંભા ગામમાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સિંહ બાળકને ઈજાગ્રસ્ત કરવાનો મેસેજ કર્યો હતો.

ઘટનાસ્થળે પહોંચતા વન વિભાગને એક ટ્રેપમાં સિંહબાળ મળી આવ્યું હતું, જેનો પગ ઈજાગ્રસ્ત હોવાથી તેને સાસણગીર એનિમલ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન અધિકારીઓની જાણમાં આવ્યું કે જ્યારે સિંહબાળ ટ્રેપમાં ફસાયું ત્યારે સિંહણે નજીકમાં જ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો,

પરંતુ તે ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. આ વ્યક્તિ નામ જણાવ્યા વિના જ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો હતો. જાેકે વન વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચે તે પહેલા જ તે ફરાર થઈ ગયો હતો. જેના કારણે વન વિભાગના અધિકારીઓમાં ગેરકાયદે સિંહના શિકારની શંકા વધુ ગાઢ બની.

આ વ્યક્તિને બાદમાં જુનાગઢ જિલ્લાના વડાલા નજીકથી પકડવામાં આવ્યો અને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો. આ બાદ વન વિભાગ તથા પોલીસના જાેઈન્ટ ઓપરેશનમાં ઉનાથી ભાવનગરના સિંહોર જતા ટ્રકમાંથી ૨૬ લોકોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, તેમના મોબાઈલ ફોનની તપાસ કરતા માલુમ પડ્યું કે, તેઓ આ ચાર લોકોના સંપર્કમાં હતા. તરત જ સિંહોરની આસપાસ રહેતા વધુ ૨૬ લોકોને ડિટેઈન કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.