સિંહની પાછળ બાઈક દોડાવી પજવણી કરતા બેની ધરપકડ
જૂનાગઢ, ગુજરાતના ગીર વિસ્તારમાં એશિયાઈ સિંહોની પજવણીના કિસ્સા છાશવારે સામે આવતા હોય છે. એક સપ્તાહ અગાઉ જ ગીરમાં સિંહબાળ પાછળ બાઈક દોડાવી જાેરથી હોર્ન વગાડી પજવણી કરાતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વન વિભાગે આ બાબતે તપાસ કરતા એક સગીર સહિત બેની ધરપકડ કરવામાં આવી હોવાનું વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રાતના સમયે બાઈક પર બે શખ્સો એક સિંહ બાળની પાછળ બાઈક દોડાવતા હોવાનું જાેવા મળ્યું હતું. આ ઉપરાંત જાેર જાેરથી હોર્ન વગાડીને બાળ સિંહની પજવણી પણ કરવામાં આવી રહી હતી. એશિયાટિક સિંહ શિડ્યૂલ વન હેઠળ આવતા પ્રાણીમાં છે અને ગીરમાં તેનો કુદરતી વસવાટ છે ત્યારે અહીં તેની પજવણી કાયદેસરનો ગુનો બને છે.
જુનાગઢના મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડી ટી વસાવડાએ જણાવ્યું કે, વીડિયો સામે આવતા તપાસ હાથ ધરાઈ હતી જેમાં આ વીડિયો ગીરના પૂર્વ વિભાગમાં આવેલા તુલસીશ્યામ રેન્જ ખાતેના ગઢીયા ગામનો હોવાનું જણાયું હતું. બે સ્થાનિકોએ આ વીડિયો ઉતાર્યો હતો અને સિંહની પજવણી કરી હતી. એક યુવકની ઓળખ યુનિસ પઠાણ તરીકે થઈ છે જ્યારે અન્ય સગીર છે.
આ યુવકો બાઈક પર જતા હતા ત્યારે બે સિંહો રસ્તામાં જાેવા મળ્યા હતા. યુવકોએ બાદમાં બાઈકના જાેર જાેરથી હોર્ન વગાડી સિંહ પાછળ દોડાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. વન્યજીવ સંરક્ષણ કાયદા અંતર્ગત બન્નેની ધરપકડ કરી શુક્રવારે પઠાણને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને ન્યાયિક કસ્ટડી મેળવવામાં આવી છે. સગીર અંગે પગલાં હવે લેવાશે.
જંગલ વિસ્તારમાં આરક્ષિત પ્રાણીઓની પજવણી કરવી કાયદેસરનો ગુનો બને છે અને આવો ગુનો કરતા કોઈ પકડાય છે તો ત્રણથી સાત વર્ષ સુધીની જેલ અને રૂ. ૨૫,૦૦૦નો દંડ થઈ શકે છે. ભૂતકાળમાં પણ આવા ગુનામાં કેટલાક લોકોને પકડવામાં આવ્યા હોવાનું વન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. આવા ગુના હેઠળ પકડાયેલા લોકોના જામીન પણ નથી થઈ શકતા.SSS