સિઆરા વાવાઝોડું યૂરોપ પહોંચ્યું; ભારે વરસાદના લીધે 62 હજાર ઘરોમાં વિજળી ઠપ
લંડન: એટલાન્ટિક મહાસાગર થઇને બ્રિટનના કાંઠે પહોંચેલા સિઆરા વાવાઝોડાના કારણે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો હતો. વાવાઝોડાની સ્પીડ 156 કિમી પ્રતિ કલાકની છે. તેના કારણે બ્રિટનના ઘણા વિસ્તારો પૂરની ચપેટમાં છે. છેલ્લા 24 કલાકમાં દોઢ મહિનામાં પડે તેટલો વરસાદ પડ્યો છે. રવિવારે 62 હજાર ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ રહ્યો હતો. ખરાબ હવામાનના કારણે ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ , સ્વિત્ઝર્લેન્ડ અને જર્મનીમાં ઘણી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.હવામાન વિભાગે બ્રિટનમાં 140 સ્થળો પર ભારે વરસાદ અને પૂર અંગેની ચેતવણી જાહેર કરી હતી. માત્ર ઇંગ્લેન્ડમાં જ 100 વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી હતી. અહીં યોર્કશાયર અને લિંકનશાયર વિસ્તાર સૌથી વધારે પૂરથી પ્રભાવિત છે. બીજી તરફ સ્કોટલેન્ડમાં 37 અને વેલ્સમાં 6 સ્થળો પર પૂરની ચેતવણી આપવામાં આવી હતી.
બ્રિટનની જોડાયેલા ચેક ગણરાજ્યના ઉદ્યોગ, વેપાર અને પરિવહન મંત્રાલયે સિઆરા વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર કર્યું છે. મંત્રાલયે કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે રેલવે કર્મચારીઓ, ફાયર બ્રિગેડ, મજૂરો, એર ટ્રાફિક કન્ટ્રોલર્સ અને પાવર પ્લાન્ટ ઓપરેટર્સને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું- સિઆરા વાવાઝોડાના કારણે રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધી ઝડપી પવન ફૂંકાવાથી ભારે નુકસાન થઇ શકે છે.