સિક્યુરિટી સંચાલક હની ટ્રેપમાં ફસાયો, ૨.૫ લાખ માંગ્યા
રાજકોટ: રાજકોટ શહેરમાં સિક્યુરિટી એજન્સીના સંચાલક હનીટ્રેપના બનાવમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર અવધ રેસીડેન્સીમાં રહેતા મૂળ બિહારના રાજને ( નામ બદલાવેલ છે ) ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોતે હનીટ્રેપનો શિકાર થયા હોવાની ફરિયાદ નોંધાવી છે.
વાતચીતમાં પીઆઇ ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ગાંધીગ્રામ પોલીસને ફરિયાદ મળી હતી કે, સિક્યુરિટી એજન્સીના સંચાલક સાથે હનીટ્રેપની ઘટના બની છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સિક્યુરિટીમાં ૫૦ સિક્યુરિટી ગાર્ડ નોકરી કરે છે. ૧૦ માર્ચના રોજ બે વાગ્યે બાઈક લઈને તે ગાર્ડનું ચેકિંગ કરવા નીકળ્યા હતા. આ સમયે તેના મોબાઇલમાં ફોન કરનાર યુવતીએ પોતાની ઓળખ મનીષા તરીકે આપીને ફ્રેન્ડશીપ કરવી છે તેવી વાત કહી હતી.
બીજી તરફ ફરિયાદીએ ફ્રેન્ડશીપ બાબતની હા પાડતા મનીષાએ તેને માધાપર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. મનીષાને બાઈકમાં બેસાડીને તે માધાપર ચોકડીથી મોરબી રોડ બાયપાસ નજીક આવેલા પોતાના ફ્રેન્ડના ખાલી મકાને લઈ જતો હતો, ત્યારે રસ્તામાં જ એડીબી હોટેલ પાસે ત્રિપલ સવારી બાઇકમાં આવેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્શે ફરિયાદીને પૂછ્યું હતું કે, મારી બહેનને ક્યાં લઈ જાય છે. ત્યારબાદ યુવતીના ભાઇ તરીકે ઓળખ આપનાર વ્યક્તિ યુવતીને પોતાની પાછળ બેસાડી લઈ ગયો હતો.
બાદમાં અન્ય બે આરોપી દિલીપ અને અનિલે યુવકને તમાચા મારી સોખડા રોડ ઉપર નાકરાવાડી ટેકરી પાસે મંદિર નજીક અવાવરુ ઓરડીમાં લઈ જઇ અને મોબાઈલ પડાવી લીધા હતા. આ દરમિયાન યુવતીને લઈ જનાર ત્રીજાે શક્સ ત્યાં આવી ગયો હતો અને પોલીસને હવાલે કરવાનો ભય બતાવી રૂપિયા અઢી લાખની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ આટલી પૈસાની વ્યવસ્થા ન હોવાનું કહેતા ત્રિપુટીએ તેને મારી નાખવાની ધમકી આપી હતી અને ક્રેડિટ કાર્ડમાંથી જેટલા પૈસા નીકળે એટલા ઉપાડી લેવાના ઈરાદે અનિલ અને દિલીપે તેને બાઈકમાં બેસાડી સૌપ્રથમ બેડી અને ગ્રીનલેંડ ચોકડી વચ્ચે આવેલા પેટ્રોલપંપ પર લઈ જવામાં આવ્યો હતો.