સિક્યોરિટી ગાર્ડે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા LG હોસ્પિટલમાં હોબાળો
શહેરના મણિનગર ખાતે આવેલી એલ.જી. હોસ્પિટલમાં મોડી રાતે એક સિક્યોિરટી ગાર્ડે દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પાસે દેશી દારૂની પોટલી મંગાવતાં હોસ્પિટલમાં ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનામાં હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નહીં કરતાં સિક્યોરિટી ગાર્ડને તાત્કાલિક ટર્મિનેટ કરી દેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
એલ.જી. હોસ્પિટલમાં અવારનવાર અનેક વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે ગઇ કાલે વધુ એક વિવાદ સામે આવ્યો છે. એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યોિરટી ગાર્ડે એક સગીર પાસે દેશી દારૂ મંગાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એલ.જી.હોસ્પિટલના આઇસીયુમાં મહેશ ચુનારા નામનો દર્દી દાખલ છે.
ગઇ કાલે મહેશ ચુનારાનાં પરિવારજનો તેમજ તેમનો ધોરણ-૧૦માં અભ્યાસ કરતો પુત્ર હોસ્પિટલમાં હાજર હતાં. મહેશનો પુત્ર આઇસીયુ રૂમમાં જતો હતો ત્યારે સિક્યોિરટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંતોષસિંહ રાજપૂતે તેને રોક્યો હતો. મહેશનો પુત્ર રૂમમાં જવા માટેની જીદ કરતો હતો ત્યારે સંતોષસિંહે તેને દેશી દારૂ લઇ આવવાનું કહ્યું હતું.
સંતોષસિંહે મહેશના પુત્રને કહ્યું હતું કે તું દેશી દારૂની પોટલી લઇને આવીશ તો જ તને આઇસીયુમાં જવા દઇશ. સંતોષસિંહની વાત સાંભળીને સગીર દેશી દારૂની પોટલી લેવા જવા માટે તૈયાર થઇ ગયો હતો. સંતોષે દારૂ ક્યાંથી લાવવાનું તે સ્થળ પણ સગીરને બતાવ્યું હતું. સગીર દેશી દારૂની પોટલી લઇને હોસ્પિટલમાં આવ્યો હતો અને તે સંતોષને આપી દીધી હતી.
સંતોષ ચાલુ ડ્યૂટી પર હોસ્પિટલમાં દારૂની પોટલી પીવા જતાં અન્ય એક સિક્યોિરટી ગાર્ડની નજર પડી ગઇ હતી. સિક્યોિરટી ગાર્ડે તેને રોકી લીધો હતો અને સીધો એલ.જી.હોસ્પિટલના પોલીસ ટેબલ પાસે લઇ ગયો હતો.
આ ઘટના દરમિયાન હોસ્પિટલમાં હાજર ખોખરાના કોર્પોરેટર અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચેરમેન નયન બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે સિક્યોિરટી ગાર્ડ સંતોષસિંહે એક સગીર પાસે દેશી દારૂની પોટલી મંગાવી હતી. અન્ય સિક્યોરિટી ગાર્ડ તેને પકડીને પોલીસ ટેબલ લાવ્યા હતા. આ ઘટના અંગે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને ફોન કરીને જાણ કરાઇ હતી.