સિગ્નલ પર આગળ આવી જતા TRB જવાને લાફો ઝિંક્યો
સુરત: સુરતમાં ટીઆરબી જવાનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો હતો. જે બાદ શિક્ષક દંપતીએ આ અંગે ટીઆરબી જવાન સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે જવાને પણ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, શિક્ષક પત્ની ગર્ભવતી હોવાને કારણે પતિ તેમને શાળામાં મૂકવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ ખાતે રહેતા હેમાલીબેન પટેલ અઠવાલાઇન્સ ખાતે આવેલી સિટીઝન ટોટ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.
ગતરોજ હેમાલીબહેન પોતાના પતિ જીગ્નેશભાઇ સાથે મોપેડ પર શાળાએ જવા નીકળ્યા હતા. આઠવાલાઇન્સ ખાતે આવેલી ચોપટી પાસેના સિગ્નલ પર તેમનું મોપેડ થોડું આગળ નીકળી ગયુ હતું. સિગ્નલ રેડ થઇ જતા આ દંપતી ઉભા રાય ગયા હતા ત્યારે ત્યાં ટ્રાફિક નિયમન કરતો ટીઆરબી જવાન આ દંપતી પાસે આવ્યો હતો. તેણે દંપતીને ધમકાવતા કહ્યું હતું કે, સિગનલ બંધ થઇ ગયું તે દેખાતું નથી કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો.
આ કર્મચારીને ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગિરી આપી હોવા છતાંય પોતાની ફરજ છોડી આ દંપતી સાથે જઇને માથાકૂટ શરુ કરી હતી. જોતજોતામાં આ માથાકૂટે ઉગ્ર અસ્વરૂપ લઇ લેતા ટીઆરબી જવાન બિપિન ચરેલ દ્વારા દંપતીમાં પતિને એક લાફો મારી દીધો હતો. જેને કારણે દંપતી તાતકાલિક પોલીસ મથકે પોંહચી આ જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ જવાને પણ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમ ફરી એક વાર શહેરીજનને તમાચો મારી આ જવાન દ્વારા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.