સિગ્નલ સ્કૂલ: મ્યુનિ. સ્કૂલ બોર્ડ ચાર રસ્તા પર ભિક્ષા માગનારાં ૧૩૯ બાળકોને ભણાવશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ શહેરના ચાર રસ્તા પર ભીખ માગનારા બાળકોના અંધકારમય જીવનમાં વિદ્યાનો પ્રકાશ ફેલાવશે.
આવા બાળકો ભણી ગણીને તેમના પરિવારને આધારરૂપ બને તેવા ઉત્તમ અભિગમ સાથે સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓ એકાદ મહિનામાં સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને આકાર આપવા જઇ રહ્યા છે. સિગ્નલ સ્કૂલ હેઠળ તંત્રે હાલમાં શહેરના ચાર રસ્તા પર ભીખ માગીને રોટલો રળનારા કુલ ૧૩૯ બાળકોને શોધી કાઢ્યા હોઇ તેમના ભાવી જીવનમાં વિદ્યારૂપી ઉજાસ પાથરવાની દિશામાં હિલચાલ હાથ ધરી છે.
મ્યુનિ. સ્કૂલ બોર્ડના ચેરમેન ડો.સુજય મહેતા દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ.૮૮૭ કરોડનું સુધારિત બજેટ મંજૂર કરાયું છે. સ્કૂલ બોર્ડ હસ્તકની ૪૪૩ શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ સહિતના છ માધ્યમમાં ૧,૫૯,૦૨૯ બાળકોને ૩૯૯૯ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાઇ રહ્યું છે.
સ્કૂલ બોર્ડના સત્તાધીશો આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં નવી શાળાઓ, વધારાના વર્ગખંડ તેમજ શાળાઓમાં અદ્યતન સુવિધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરનાર હોઇ તેમાં જરૂરિયાતમંદ બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરવાના વિશિષ્ટ પ્રયોગનો પણ સમાવેશ થાય છે.
શહેરના ચાર રસ્તા પર વાહનચાલકો પાસે હાથ જાેડીને-કારીગરને રૂપિયો-બે રૂપિયાની ભીખ માગનારાં બાળકોની નવાઇ નથી. આવા બાળકોના જીવનમાં સદાય અંધારુ રહે તેવા સંજાેગો ઊભા થયા હોય છે. કેટલાક દયાળુ ગૃહસ્થો ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરનારા બાળકોને ભણાવવામાં રસ દાખવે પણ છે, પરંતુ હવે સ્કૂલ બોર્ડ ભિક્ષા નહીં પણ શિક્ષાના સૂત્ર સાથે આવા બાળકો પર મા સરસ્વતીની કૃપા વરસાવવા આગળ આવ્યું છે.
તંત્રના શિક્ષકો દ્વારા એક મહિના પહેલા ચાર રસ્તા પર સર્વે કરીને ભીખ માગનારાં ૧૩૯ બાળકોને શોધી કઢાયા છે. અતિ ગરીબ પરિવારમાંથી આવનારા બેથી ૧૪ વર્ષના આ ૧૩૯ બાળકોને ભણાવવા માટે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ દસ ખાસ ડિઝાઇન ધરાવતી બસ તૈયાર કરાઇ છે. ચાર રસ્તાના સિગ્નલ પર ભિક્ષા માગનારાં બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં પ્રગતિ કરી શકે તે માટેના પ્લાન ઓફ એક્શનને મંજૂરી આપી દેવાઇ છે. આ પ્રોજેક્ટ માટે તંત્રે રૂ.૨.૨૭ કરોડ ફાળવ્યા છે.
બાળકો માટે મધ્યાહન ભોજન અને નાસ્તાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે, તેમના આરોગ્યની પણ નિયમિત તપાસ થશે.
શિવરંજની ચાર રસ્તા સહિતના સૂચિત દસ રસ્તાની યાદી ઃ શિવરંજની ચાર રસ્તા, અંધજન મંડળ ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, આરટીઓ સર્કલ, ટાઉન હોલ ચાર રસ્તા, રખિયાલ ચાર રસ્તા, બાપુનગર સરદાર વલ્લભભાઇ ચાર રસ્તા, વિરાટનગર ચારર સ્તા, મોઢવ ચાર રસ્તા, નિકોલ ચાર રસ્તા.
મ્યુનિ. તંત્ર બે જાેડી યુનિફોર્મ પૂરો પાડશે ઃ સિગ્નલ સ્કૂલના ઉમદા પ્રોજેક્ટમાં મ્યુનિ. તંત્ર બાળકોને બે જાેડી યુનિફોર્મ, શૈક્ષણિક કિટ, બૂટ-મોજાં પૂરા પાડીને પ્રોત્સાહન આપશે.