સિદ્ધપુર તાલુકાના તાવડીયાની મહિલાનો ટેસ્ટ પોઝીટીવ
જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૨૪૬ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા, ૧૫ પોઝીટીવ કેસ સાથે ૧૯૧ના રિપોર્ટ નેગેટીવ
(માહિતી બ્યુરો, પાટણ) પાટણ જિલ્લામાં ગત તા.૧૦ એપ્રિલના બાદ તા.૧૭ એપ્રિલના રોજ COVID-19નો વધુ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સિદ્ધપુર તાલુકાના તાવડીયાની મહિલાનો COVID-19 ટેસ્ટ પોઝીટીવ આવતાં અત્યાર સુધીમાં જિલ્લામાં COVID-19 પોઝીટીવ કેસનો કુલ આંકડો ૧૫એ પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૭ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ પૈકી સિદ્ધપુર તાલુકાના તાવડીયાની ૨૦ વર્ષિય મહિલાના COVID-19નો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. અગાઉના ૧૪ કેસ પૈકી ૧૧ લોકોને સારવાર બાદ COVID-19 ટેસ્ટ નેગેટીવ આવતાં ધારપુર હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. COVID-19ના કુલ પોઝીટીવ કેસમાં એકનો વધારો થતાં હાલ ૦૩ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.૧૭ એપ્રિલના રોજ ૫૫,૯૧૪ ઘરોની મુલાકાત લઈ ૨,૬૦,૩૧૦ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૪૮૯ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૨૪૬ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ ૬૩ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે ૦૬ અને સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઑફ હોટલ મેનેજમેન્ટ-સિદ્ધપુર ખાતે ૨૬ એમ કુલ ૩૨ જેટલા લોકોને સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે.
નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરમાં શરૂ કરવામાં આવેલા ૧૨ જેટલા મહોલ્લા ક્લિનિકમાં ૩૭૪ જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી. વધુમાં, જી.વી.કે. દ્વારા સમી ખાતે ૩૩ અને રાધનપુર ખાતે ૫૫ વ્યક્તિઓનું હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું. જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૭૬૬-૨૩૪૨૯૫ પર ફોન કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત તમામ તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ પરથી પણ માહિતી મેળવી શકાશે