સિદ્ધપુર તાલુકાના મુડાણા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તથા પ્રદર્શન યોજાયું

પાટણ: સિદ્ધપુર તાલુકાના મુડાણા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલી પશુપાલન શિબિરમાં રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાયના વિકાસ માટે અમલી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે સરકારશ્રી દ્વારા અમલી યોજનાઓનો મહત્તમ લાભ લઈ પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે વધુ પ્રમાણમાં માદા પશુઓના જન્મ માટે સેક્સ સિમેન ડોઝ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી આર્થિક સદ્ધરતા કેળવવા પશુપાલકોને આહ્વાન કર્યુ હતું.
નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.વી.બી. પરમાર દ્વારા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત અરજી કરવા અને પશુપાલન માટે ધિરાણ લઈ વ્યવસાય વિકસાવવા પ્રેરણા પૂરી પાડી હતી. પશુપાલન વિભાગના તાંત્રિક અધિકારીશ્રી ડૉ. એમ.એ.ગામી તથા ડૉ. સંકેત પટેલ દ્વારા પશુપાલન વિષયો પર તાંત્રિક માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, જિલ્લા સંગઠન મંત્રીશ્રી જશુભાઈ પટેલ, મુડાણા તથા કોટા ગામના સરપંચશ્રીઓ, પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.