સિદ્ધાર્થના નિધન બાદ બાલિકા વધૂનો એપિસોડ ટ્રેન્ડ થયો
મુંબઈ, બોલિવૂડ અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અવસાનના સમાચારથી મનોરંજન ઈન્ડસ્ટ્રી ઊંડા શોકમાં સરી પડી છે. માત્ર ૪૦ વર્ષની વયે સિદ્ધાર્થના નિધનથી પરિવાર, મિત્રો અને ફેન્સને આઘાત લાગ્યો છે. ડૉક્ટરોના કહેવા અનુસાર સિદ્ધાર્થ શુક્લાનું નિધન હાર્ટ અટેકના કારણે થયું છે. દરમિયાન ટીવી શૉ બાલિકા વધૂ’થી પોપ્યુલર થયેલા સિદ્ધાર્થના શૉનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
જે શૉનો ૧૧૫૭ નંબરનો એપિસોડ છે કે જેમાં સિદ્ધાર્થની કો-સ્ટાર પ્રત્યુષા બેનર્જી સાથેના લગ્ન દર્શાવવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે પ્રત્યુષા બેનરજી હવે આ દુનિયામાં નથી તેણે ૨૦૧૬માં કથિતરીતે આત્મહત્યા કરી લીધી હતી. શૉનો આ એપિસોડ વાયરલ થયો કારણકે સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ લોકો ગૂગલ પર સિદ્ધાર્થના લગ્ન અને પરિવાર વિશે સર્ચ કરી રહ્યા છે.
જેમાં લોકો સૌથી વધારે સિદ્ધાર્થના ‘પરિવાર’, ‘લગ્ન’, ‘પત્ની’ અને લગ્નની તારીખ વિશે સર્ચ કરી રહ્યા છે. શૉના આ એપિસોડમાં શિવના પાત્રમાં સિદ્ધાર્થ અને આનંદીની ભૂમિકામાં પ્રત્યુષા લગ્ન બાદ ઘણી રસમમાં ભાગ લેતા જાેવા મળી રહ્યા છે. તેઓ બંને એકબીજાની આંખોમાં રોમેન્ટિક અંદાજમાં જુએ છે અને મજાક કરે છે. આનંદી આ દરમિયાન શિવને ‘કલેક્ટર સાહેબ’ કહીને સંબોધિત કરે છે.
અહીં નોંધનીય છે કે ટીવી શૉ ‘બાલિકા વધૂ’ના ત્રણેય લોકપ્રિય કલાકારો હવે આ દુનિયામાં રહ્યા નથી. સિદ્ધાર્થ શુક્લા અને પ્રત્યુષા બેનરજી સિવાય આ શૉમાં ‘દાદી સા’નું પાત્ર ભજવનાર એક્ટ્રેસ સુરેખા સીક્રીનું પણ ૭૫ વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. અહીં નોંધનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બ્રોકન બટ બ્યુટિફુલ ૩’ નામની વેબ સિરીઝમાં જાેવા મળ્યો હતો. આ સિવાય સિદ્ધાર્થ શુક્લા ‘આહટ’, ‘સીઆઈડી’, ‘લવ યુ ઝિંદગી’, ‘ઝલક દિખલા જા ૬’, ‘ખતરો કે ખિલાડી ૭’, ‘દિલ સે દિલ તક’ અને ‘બિગ બોસ ૧૩’માં જાેવા મળ્યો હતો. આ સિવાય ‘સાવધાન ઈન્ડિયા’ અને ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ૬-૭’માં હોસ્ટ તરીકે જાેવા મળ્યો હતો.SSS