સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કહ્યા મોટા ભાઇ

કરતારપુર, પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ નવજોત સિદ્ધુએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. કરતારપુર કોરિડોરથી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન કરવા પાકિસ્તાન પહોંચેલા સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મોટા ભાઈ કહ્યા છે. ગઈ વખતે પણ જ્યારે સિદ્ધુ પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ પાકિસ્તાનની સેનાના જનરલ બાજવાને ગળે મળ્યા હતા.
ત્યારબાદ સિદ્ધુ સામે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એવામાં હવે તેમના આજના આ નિવેદન પર સૌની નજર છે. સિદ્ધુની સાથે આ મુલાકાત પર મંત્રી પરગત સિંહ, અમરિન્દર સિંહ રાજા વડિંગ, કાર્યકારી મંત્રી કુલજિત નાગરા પણ ગયા હતા.
વીડિયોમાં કરતારપુર પહોંચેલા સિદ્ધુ પર પાકિસ્તાનના અધિકારીઓ ફૂલ વરસાવી રહ્યા હતા. કરતારપૂરના સીઇઓએ સિદ્ધુની સ્વાગત કરતાં તેમને ફૂલોનો હાર પહેરાવ્યો હતો. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન ઈમરાન ખાનની તરફથી તમારું સ્વાગત કરું છું.
આ બાબતે સિદ્ધુએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે. તેમણે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ આ પહેલા પણ પાકિસ્તાનની મુલાકાત મુદ્દે વિવાદોમાં ઘેરાઇ ચૂક્યા છે.