સિધ્ધુને સીધું નિમંત્રણ, કોંગ્રેસમાં તક ના હોય તો આપના દરવાજા ખુલ્લા : કેજરીવાલ
ચંડીગઢ: પંજાબ ગયેલા અરવિંદ કેજરીવાલના નિવેદનના કારણે નવજાેત સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ જશે એવી વાતો ફરી શરૂ થઈ છે. કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ‘આપ’નો મુખ્યમંત્રીપદનો ઉમેદવાર શીખ સમુદાયમાંથી હશે અને બહુ જાણીતો ચહેરો હશે. કેજરીવાલે આ રીતે સિદ્ધુને સીધું નિમંત્રણ આપી દીધું છે.
યોગાનુયોગ સિદ્ધુએ પણ સોમવારે કહ્યું કે, ચૂંટણીમાં માત્ર સ્ટાર કેમ્પેઈનર બની રહેવામાં મને રસ નથી. સિદ્ધુએ આ વાત કરીને પોતાને મહત્વનો હોદ્દો નહીં અપાય તો પોતે કોંગ્રેસ છોડી દેશે અને કેપ્ટનના અક્કડ વલણના કારણે પોતાની ધીરજ ખૂટી રહી છે એવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
સૂત્રોના મતે, કેજરીવાલ સિદ્ધુને આવકારવા થનગની રહ્યા છે કેમ કે ‘આપ’ પાસે શીખોને આકર્ષી શકે તેવો જાણીતો ચહેરો જ નથી. ભગવંત માન સળંગ બે વાર લોકસભામાં જીત્યા છે અને હાલમાં પ્રદેશ પ્રમુખ છે પણ માન આખા પંજાબમાં પ્રભાવ પાથરી શકે તેવો ચહેરો નથી એવું કેજરીવાલ માને છે. ‘આપ’ પાસે બીજા શીખ ધારાસભ્યો છે પણ કોઈની માસ અપીલ નથી તેથી સિદ્ધુ કેજરીવાલ માટે શ્રેષ્ઠ પસંદગી છે.