સિનેમાઘરોમાં ચાલી રહી છે “સમંદર”ની સુનામી
અમદાવાદ: દર્શકો જે ફિલ્મની આતુરતાથી વાટ જોતા હતા તે ફિલ્મ “સમંદર” આખરે છવાઈ ગઈ છે. વટ, વચન અને વેર દર્શાવતી 2 મિત્રોની કહાની દર્શાવતી ફિલ્મ એટલે “સમંદર”. આ 2 મિત્રો ઉદય અને સલમાનના પાત્રમાં અનુક્રમે મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર એ મજ્જો પડાવી દીધો છે.
કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. 17મી મેના રોજ રિલીઝ થયેલ આ ફિલ્મ સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને દર્શકો ભરપૂર રીતે વખાણી રહ્યાં છે.
ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ગુજરાતના ગૅન્ગસ્ટરની વાત છે, માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. રાજકારણીઓ અર્જણ પરમાર અને ઇમ્તિયાઝ મેમણ બે ભાઈબંધોની યારીમાં કઈ રીતે ભંગાણ પાડે છે તે દર્શાવ્યું છે.
ધારાસભ્ય અરજણ સિંહ પરમારના પાત્રમાં ચેતનનું પર્ફોમન્સ, સ્ટાઈલ અને વટ દિલ જીતી લે છે તો મેમણના પાત્રમાં ધર્મેન્દ્ર ગોહિલની પર્સનાલિટી બહુ જ સરસ પડે છે. ફિલ્મના દરેક કેરેક્ટર પોંઇટના પાત્રને સંપૂર્ણ ન્યાય આપે છે. મમતા સોની કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રતિભાશાળી કલાકારો પણ ઊંડી છાપ છોડે છે. એવો એકંદરે દર્શકોનો મત છે.
ફિલ્મનું મ્યુઝિક પ્રખ્યાત કેદાર- ભાર્ગવની જોડી એ આપ્યું છે જે ફિલ્મને વધુ સફળતાના શિખર પર લઇ જાય છે. જાણીતા ગાયકો નકાશ અઝીઝ અને આદિત્ય ગઢવીના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ફિલ્મનું પ્રથમ સોન્ગ “માર હલેસા” અને અન્ય સોન્ગ જે પ્રખ્યાત બૉલીવુડ સિંગર બી પ્રાકે ગાયું છે- “તું મારો દરિયો રે” મિત્રોની દોસ્તી પર પ્રકાશ પાડે છે.
એના વાવટામાં વટ, વચન અને વેર ફરકતા હોય… એની જાળમાં જંગ, ઝંખના,ઝનૂન, ઝબકતા હોય, ભલે પછી મઝધારે ગમે તેવા મોજા ઉછળતા હોય, વાટ જોવાય એની, કિનારે હૈયા ધબકતા હોય….”- જેવાં દમદાર ડાયલોગ્સ સાથેની આ ફિલ્મ “સમંદર” જો હાજી ના જોઈ હોય તો આજે જ જોઈ આવો.