સિમ કાર્ડ બદલાવાને નામે ખાતામાંથી ૪૬ લાખ ગાયબ
વડોદરા: છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડના કેસ ખૂબ વધી ગયા છે. શહેરના એક વેપારી સાથે પણ અજાણ્યા શખ્સે ઓનલાઈન ફ્રોડ કરીને ૪૬ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. માંજલપુરમાં રહેતા સંજય પટેલ નામના રહેવાસીએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપીએ ૨૫ જુલાઈથી ૨૬ જુલાઈની વચ્ચે તેના બેંક ખાતામાંથી રૂપિયા ઉડાવી લીધા હતા. પોલીસ રૂપિયાની લેવડ-દેવડના આધારે આરોપીની ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફરિયાદી સંજય પટેલના જણાવ્યા પ્રમાણે, ૨૪ જુલાઈએ તેને એક એસએમએસ આવ્યો હતો, જેમાં નવા સિમ કાર્ડ માટેની માહિતી આપવામાં આવી હતી અને બાદમાં તેમનું નેટવર્ક ડિસકનેક્ટ થઈ ગયું હતું. બાદમાં તેમણે કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવને ફોન કર્યો હતો, જેણે પુષ્ટિ કરી હતી કે નવા સિમ કાર્ડની માહિતી ખરેખર તેના નંબર પરથી જ કરવામાં આવી હતી.
પટેલને તે મોબાઈલ સ્ટોરનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું, જ્યાંથી તેણે સિમ ખરીદ્યું હતું. પટેલ તરત જ સ્ટોરની મુલાકાત લઈ શક્યો નહીં કારણ તે સાંજ થઈ ગઈ હોવાથી તે બંધ હતો અને બીજા દિવસે રવિવાર હતો. ૨૬ જુલાઈએ, સિમ કાર્ડ એક્ટિવેટ કરાવવા માટે મોબાઈલ સ્ટોરની મુલાકાત લીધી હતી.
સાંજે તેનો નંબર એક્ટિવેટ થયો હતો અને બાદમાં તેને ૧૪ અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી તેના બેંક ખાતામાંથી ૪૬ લાખ રૂપિયા ઉપડ્યા હોવાના મેસેજ મળ્યા હતા. આઘાત પામેલા પટેલે ટ્રાન્ઝેક્શનની માહિતી માટે બેંકનો સંપર્ક કર્યો હતો. ‘આરોપીને પટેલના બેંક અકાઉન્ટની ડિટેઈલ મળી ગઈ હશે તેમ લાગી રહ્યું છે. આરોપીએ પહેલા પાસવર્ડ બદલવા માટે અને પછી ટ્રાન્ઝેક્શન કરવા માટે સિમનો ઉપયોગ કર્યો હશે’, તેમ સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું.