સિલાઈ મશીન આપવાના બહાને ખોટી સંસ્થા બનાવીને મહિલાઓને છેતરી
જેતપુર, રાજકોટ જિલ્લામાં ગજબ છેતરપિંડી સામે આવી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં એક ફરિયાદ થઇ હતી, જેમાં જામકંડોરણામાં મોદી યુવા સંગઠન નામની સંસ્થા જરૂરિયાતમંદ મહિલાને માત્ર ટોકન રૂપિયા લઈને સિલાઈ મશીન આપતી હતી. સાથે જેને જરૂરિયાત હોય તેને આર્થિક મદદ પણ કરતી હતી.
આ સંસ્થા દ્વારા રાજકોટના જામકંડોરણામાં અનેક મહિલાઓ પાસેથી સિલાઈ મશીન આપવાના નામે ૬૫૦ રૂપિયા જેવી રકમ ઉઘરાવવામાં આવી હતી.જે બાદ આ રૂપિયા હજમ કરીને કોઈપણ જાતના સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા ન હતા. થયેલ છેતરપિંડી મુજબ, અમદાવાદના યુવરાજ સિંહ જૂજીયા નામના વ્યક્તિએ પીએમ મોદી યુવા સંગઠન નામની સાવ ખોટી સંસ્થા ઉભી કરીને અને તેમાં જામકંડોરણાના જયાબેન વેકરીયાને નિમુણક આપી અને પછી આ જ સંસ્થા હેઠળ જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવશે.
તેવી લાલચ આપીને મહિલાઓ પાસેથી ૬૫૦ રૂપિયાનું ઉઘરાણું કર્યું. જે મુજબ માત્ર જામકંડોરણામાંથી જ અંદાજિત ૮૩,૦૦૦ રૂપિયા ગરીબ મહિલાઓ પાસેથી ઉઘરાવી લીધા. જયારે જયાબેન પાસે આ મહિલાઓએ સિલાઈ મશીનની ઉઘરાણી કરી ત્યારે આ ચીટર યુવરાજે ફોન બંધ કરી દીધો.