સિલિન્ડર ફાટવાથી બે મકાન ધરાશાયી, આઠ લોકોનાં મોત
રાંધતી વખતે અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી થઈ જતાં ૪ બાળકો સહિત આઠ લોકોનાં મોત
ગોંડા: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વજીરગંજ પોલીસ સ્ટેશનની હદના ટિકરી ગામમાં રાંધતી વખતે અચાનક એલપીજી સિલિન્ડર ફાટી ગયો. તેના કારણે બે મકાન જમીનદોસ્ત થઈ ગયા. આ ઘટના મંગળવાર રાતની છે. સિલિન્ડર બ્લાસ્ટના કારણે બે મકાન ધરાશાયી થઈ ગયા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ઘણે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. દુર્ઘટનામાં બંને મકાનોમાં રહેતા ૧૫ લોકો કાટમાળની નીચે દબાઈ ગયા,
જેમાંથી અત્યાર સુધી ૮ લોકોનાં મોત થયા છે. અન્ય સાત લોકોને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જ્યારે કાટમાળમાં હજુ પણ એક બાળક દબાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે મહિલા, બે પુરુષ અને ચાર બાળકોના શબ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ મકાન ધરાશાયી થતાં ઘાયલ થયેલા સાત લોકોને એમ્બ્યુલન્સથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૂળે, ટિકર ગામમાં ઠઠેરી પુરવા મજરેમાં નરૂલ હસનના ઘરમાં અચાનક વિસ્ફોટ થયો અને બાજુમાં ફકીરાનું મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું. કુલ મળીને ૨ મકાન ક્ષતિગ્રસ્ત થઈ ગયા. આ ઘટના અંગે ગોંડા એસપી સંતોષ મિશ્રાએ જણાવ્યું કે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમ પણ પહોંચી છે જે અલગ અલગ પાસાઓની તપાસ કરી રહી છે.