સિવિલમાં દર્દીના ફેફસાને બહાર કાઢી સાફ કરાયા – યુવકને નવજીવન મળ્યું
તબીબોએ ૨૪ લિટર પાણીથી યુવકના ફેફસામાં રહેલા કચરાને સાફ કર્યોઃ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ હતી
અમદાવાદ, ઇતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ દર્દીના ફેફસાંમાં જમા થયેલો કચરો પાણીની મદદથી સાફ કરી તેને નવુ જીવન આપ્યું છે. આ પ્રકારના ઓપરેશન ખાસ કરીને મુંબઈમાં થતા હોય છે. સામાન્ય રીતે જા પ્રાઇવેટ હોસ્પિટલમાં આવું ઓપરેશન કરવાનો ખર્ચ રૂ.છ લાખ થાય પરંતુ સિવિલ હોસ્પિટલમાં યુવકનું નિઃશુલ્ક ઓપરેશન કરી તબીબોએ બહુ મહત્વની સફળતા હાસંલ કરી હતી અને પ્રશંસનીય કામગીરી ફરી એકવાર કરી બતાવી હતી. હાલ ઓપરેશન બાદ દર્દી સ્વસ્થ છે અને તેને રજા પણ આપી દેવામાં આવી છે.
યુવકના ગરીબ પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોનો લાખ લાખ આભાર માનવામાં આવ્યો હતો. જૂનાગઢના રહેવાસી અશ્વિન નામનો યુવક કૂવા ખોદવાનું કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. છેલ્લા કેટલાક મહિનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડોક્ટરને બતાવવા પર તેના ફેફસાંમાં કચરો ભરાઇ જવાથી જામ થઇ ગયા છે તેવું જાણવા મળ્યું હતું. ડોક્ટરે યુવકને મુંબઈમાં ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી.
પરંતુ યુવક ગરીબ હોવાથી તેના ઓપરેશન માટે પૈસા ન હતા. યુવક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ગયો હતો ત્યાંથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો. સિવિલના ડોક્ટરોએ યુવકની તપાસ કરતા જાણવા મળ્યું કે, વર્ષોથી તે કૂવો ખોદવાનું કામ કરતો હોવાથી તેના ફેફસાંમાં માટી ભરાઇ ગઇ છે, જેના કારણે તેના ફેફસાં ૩૦ ટકા જેટલા જામ થઇ ગયા છે. યુવકના ફેફસાંને સાફ કરવા માટે ડોક્ટરની એક ટીમે ઓપરેશનની તૈયારી કરી હતી. ડોક્ટર્સે યુવકના ફેફસાંમાં પાણી નાખીને કચરો સાફ કરવાનું નક્કી કર્યું હતું.
આ ઓપરેશનમાં ફિઝિયોથેરાપિસ્ટના બે ડોક્ટર પણ જોડાયા હતા. ડોક્ટર્સ અશ્વિનને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ડોક્ટર્સે વેન્ટિલેટર સાથે એક બૂચ પણ નાખ્યો હતો જેમાંથી પાણી યુવકના ફેફસાં સુધી પહોંચાડવામાં આવ્યું હતું. અંદાજિત ૨૪ લિટર જેટલા પાણીથી યુવકના ફેફસામાં રહેલા કચરાને બહાર કાઢી સાફ કરવામાં આવ્યા હતા. યુવકનું ૬ થી ૭ કલાકની અંદર બે વખત ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં યુવક સ્વસ્થ છે અને તેને રજા પણ આપી દેવામાં આવી છે.
આ પ્રકારના ઓપરેશન માટે અંદાજિત ૬થી૭ લાખ રૂપિયા જેટલો ખર્ચ આવી જાય છે. જે સામાન્ય વ્યક્તિ માટે ઘણી મોટી રકમ હોય છે અને અશ્વિન જેવા લોકો કે જે નાની-મોટી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, તેમના માટે આટલી રકમ એકઠી કરવી મુશ્કેલ છે. પરંતુ અમદાવાદ સિવિલના ડોક્ટરોની મદદથી કોઇપણ ખર્ચ વગર આ ઓપરેશન સફળતાપૂર્વક થયું છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર પોતાની નિપુણતા અને સિધ્ધિ સાર્થક કરી બતાવી હતી.