સિવિલમાં રોજ ૩૦થી વધારે મ્યુકોરમાઈકોસિસની સર્જરી
રેમડેસિવિર માટે ફાંફા મારતા લોકોએ હવે આ બિમારીના ઈન્જેક્શન માટે ઠેર-ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો
અમદાવાદ: ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થઇ રહ્યો છે. જેના કારણે આ જીવલેણ રોગને સરકારે તો મહામારી જાહેર કરી દીધી અને કહ્યું કે, તેના એમ્ફેટેરેસીન-બી ઇન્જેક્શનો સરકારી હૉસ્પિટલમાંથી મળી જશે. પરંતુ હકીકતનો નજારો તો ઘણો જ ડરાવનારો છે. પહેલા જે રીતે લોકો રેમડેસિવીર ઇન્જેક્શનો માટે ફાંફા મારતા હતા, કલાકો લાઇનમાં ઉભા રહેતા હતા, કેટલાય વધારે રૂપિયા આપીને કાળાબજારીમાં પણ ઇન્જેક્શો ખરીદતા હતા. તે જ નજારો હવે મ્યુકોરમાઇકોસિસનાં એમ્ફેટેરેસીન-બી ઇન્જેક્શનો માટે પણ જાેવા મળી રહ્યો છે. દર્દીઓનાં પરિવારજનો આ ઇન્જેક્શનો માટે પણ હાલ બેહાલ છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હાલ ૫૦૦થી વધુ દર્દીઓ દાખલ છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં પણ ૫૦૦થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૫૬૭ દર્દી દાખલ છે. વડોદરાની સિવિલમાં ૩૦ સર્જરી અને ૧૧ નવા કેસ છે અને ગોત્રી હૉસ્પિટલમાં ૬૭ સાથે કુલ ૧૮૫ સારવાર હેઠળ છે. આના દર્દીઓનો આંકડો ધીરે ધીરે વધી જ રહ્યો છે જે ચિંતાનું કારણ છે. એક સમાચાર પત્રનાં જણાવ્યાં પ્રમાણે, તબીબોના મતે મ્યુકોરમાઇકોસિસના ચાર પ્રકાર હોય છે.
કોઇ દર્દીને નાક, મો અને મગજમાં મ્યુકોરમાઇકોસિસ થાય છે. કોઇને આંતરડાં, ફેંફસા અને ચામડીમાં પણ મ્યુકર માઇકોસિસ થાય છે. પંરતુ આ મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ ગુજરાતમાં ઓછું જાેવા મળી રહ્યું છે. જે મ્યુકોરમાઇકોસિસ નાક, મો અને મગજમાં પ્રસરે તેને રાયનો સેરેબ્રલ મ્યુકોરમાઇકોસિસ કહે છે. ગુજરાતમાં રાયનો સેરબ્રલ મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ વધુ છે. આ પ્રકારના મ્યુકોરમાઇકોસિસમાં રોગ એટલી હદે વકરે છે કે,જડબાની સર્જરી કરવી પડે છે.
ફેફસામાં થતાં મ્યુકોરમાઇકોસિસને પલ્મોનરી મ્યુકર માઇકોસિસ તરીકે ઓળખાય છે જેનું પ્રમાણ ખૂબ નહિવત છે. આ જ રીતે, જી.આઇ મ્યુકોરમાઇકોસિસ જે આંતરડામાં થાય છે. ચામડીમાં પણ મ્યુકર માઇકોસિસ થઇ શકે છે. આ મ્યુકર માઇકોસિસના દર્દીઓની સંખ્યા પણ ખૂબ જૂજ જાેવા મળે છે. મોટાભાગે કોરોના બાદ જ દર્દી મ્યુકોરમાઇકોસિસના રોગનો શિકાર બની રહ્યો છે. આ ઇન્જેક્શનોની ફાળવળી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે,
આ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરીને અત્યાર સુધી મેડિકલ કોલેજાે/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને ૨૦,૭૦૦થી વધુ ઇન્જેક્શન એમ્ફેટેરેસીન-બી ઉપલબ્ધ કરાવી આપ્યા છે. આ ઇન્જેક્શન એમ્ફેટેરેસીન-બીનો વધુ જથ્થો રવિવારે મોડી સાંજે મળી ગયો છે. આ જથ્થો તાત્કાલિક મેડિકલ કોલેજાે/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને ફાળવી દેવામાં આવશે