સિવિલમાં ૬૦ કોરોના વોરિયર્સને કોરોના પોઝિટિવ
અમદાવાદ, શહેરમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થયો છે, સરકારી તંત્ર દ્વારા સાચા આંકડા જાહેર કરાતાં ન હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે ત્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દિવાળીથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં ડોક્ટરો-નર્સિગ સ્ટાફ-સફાઈ કર્મચારી સહિત ૬૦ જેટલા કોરોના વોરિયર્સને કોરોના થયો છે. સિવિલના સૂત્રો આ દાવા સાથે કહે છે કે, કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૪૩૦ વોરિયર્સ કોરોનાની ઝપટે ચઢ્યા છે. સિવિલના સ્ટાફમાં કોરોનાના નવા કેસો સામે આવતાં સ્ટાફમાં રીતસર ફફડાટ મચ્યો છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દિવાળીથી અત્યાર સુધીમાં ૬૦ કોરોના વોરિયર્સ કોરોના સંક્રમિત થયા છે. હમણાં જ મેડિસિન વિભાગના વડાને કોરોના થયો હતો, જેઓ સિવિલના અલાયદા વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, આ ડોક્ટર સામે અગાઉ જુનિયર તબીબો રોષે ભરાયા હતા અને આક્ષેપો કર્યા હતા કે, તેઓ કોવિડ વોર્ડમાં આવતાં જ નથી.
પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ઉપરાંત એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર પણ કોરોના સંક્રમિત થયા છે,નર્સિગ સુપરિન્ટેન્ડેન્ટ પણ કોરોનાગ્રસ્ત છે. સિવિલમાં અન્ય સ્ટાફ પણ કોરોનાની હડફેટે ચઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલમાં પણ એક સમયે કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો હતો, આ હોસ્પિટલમાં ૧૧૦ કરતાં વધુના સ્ટાફને કોરોના થયો હતો, કેન્સરના દર્દીઓ પણ કોરોના સંક્રમિત બન્યા હતા.