સિવિલ હોસ્પિટલનો સ્ટાફ રક્ષાબંધન મનાવવા ગયો અને તસ્કરો ટ્રોમા સેન્ટરમાંથી કોમ્પ્યૂટર ચોરી ગયા
સૌથી મોટી હોસ્પીટલમાં સિક્યુરીટી તથા સીસીટીવી હોવા છતાં ચોરી થતાં સિક્યુરીટી અંગે શંકા
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી છે સ્ટાફ રક્ષાબંધનના તહેવારે રજા પાડતાં અજાણ્યા તસ્કરો ટ્રોમા વોર્ડની બારીના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોમ્પ્યૂટર સહીતની સામગ્રી ચોરી ગયા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે ડો. જયંત સોલંકી સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે મેડીકલ ઓફીસર તરીકે કાર્યરત છે તેમની ટીમમાં ૧૬ લોકો કામ કરે છે રક્ષાબંધનના દિવસે ડો. જયંત અને તેમના સહકર્મીઓ બપોરે બાર વાગ્યે અડધો દિવસ કામ કરી ઘરે ગયા હતા જેથી ઈલેકટ્રૂ મેડીકલ વર્કશોપની તમામ ઓફીસો તથા તેની ઉપરના માળે આવેલા બીજા બે રૂમોને તાળાં મારી તેની ચાવી સીકયુરીટી ઈન્ચાર્જ પાસે જમા કરાવી હતી.
બીજા દિવસે તમામ સ્ટાફ પરત ફરતા વર્કશોપની ઉપર આવેલા પહેલા માળે પટાવાળા જગદિશભાઈ ગયા હતા જયાં ઉપરની લોબીનો મુખ્ય દરવાજાે ખુલ્લો હતો અને તેનું તાળું પણ તુટેલુ હતું આ ઘટના અંગે તુરંત ડો. જયંતને જાણ કરવામાં આવતા તે ઉપરના માળે પહોચ્યા હતા જયાં તપાસ કરતા બેમાંથી એક રૂમની બારીઓના કાચ તુટેલા હતા તેમાં પ્રવેશતા જ આ રૂમમાંથી કોમ્પ્યૂટર, પ્રીન્ટર, વાઈફાઈ, ટ્રાન્સમીટર, ઉપરાંત બે એફએમ રેડીયો ગાયબ હતા જેને પગલે તેમણે તુરંત સિકયુરીટી ઈન્ચાર્જને બોલાવ્યા હતા બાદમાં આ ઘટના અંગે શાહીબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સિકયુરીટી ગાર્ડની પુછપરછ કરી હતી ઉપરાંત સીસીટીવી કેમેરાના કુટેજ મેળવીને પણ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પીટલમાં ચોરીની ઘટના બનતા સિકયુરીટી અંગે પણ શંકા જાગી છે. ચોવીસ કલાક ચાલુ રહેતી હોસ્પીટલમાં સતત સિકયુરીટી તથા સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરી થતાં દર્દીઓ તથા અન્ય લોકો પણ પોતાની મત્તાની સુરક્ષા અંગે શંકા સેવી રહયા છે.