સિવિલ હોસ્પિટલમાં એક પછી એક હેડ તબીબોના રાજીનામા પડવાથી ખળભળાટ મચ્યો
અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક પછી એક હેડ તબીબોના રાજીનામા પડવાથી ખળભળાટ મચ્યો છે. સવાલ ઊભાં થઈ રહ્યાં છે કે આખરે ડૉક્ટરો કેમ આપી રહ્યાં છે રાજીનામાં. આવામાં ડો.રજનીશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું તે ચોંકાવનારું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના રાજીનામા મામલે આજે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનના પ્રમુખ ડો.રજનીશ પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિવિલનું વહીવટી વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. ખાસ કરીને તબીબોના સ્વાભિમાન સચવાઈ નથી રહ્યાં એટલે આ રાજીનામા પડી રહ્યાં છે.
રજનીશ પટેલે બળાપો ઠાલવતા કહ્યું હતું કે આજે સમય એવો થઈ ગયો છે કે સિવિલમાં નોન ટેકનિકલ વ્યક્તિઓ ડિપાર્ટમેન્ટના હેડને સમજાવે છે કે કામ કેવી રીતે થાય. આ કેટલી હદે યોગ્ય કહેવાય. વૅન્ટિલેટર કેવી રીતે ચલાવવું તે નોન ટેકનિકલ વ્યકિત સમજાવે છે.
રજનીશ પટેલે આગળ કહ્યું કે સિવિલમાંથી જે રાજીનામા પડ્યાં છે તે સિવિલ હોસ્પિટલ માટે મોટું નુકસાન ગણી શકાય. કારણ કે તમામ હેડ તબીબો જેમણે રાજીનામ આપ્યા છે તે પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હતા.
જાે કે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનના પ્રમુખ રજનીશ પટેલ આટલેથી અટક્યા ન હતાં. તેમણે ડૉક્ટર્સના રાજીનામાને લઈને કહ્યું કે કોઈ અંગત કારણોસર સીધી રીતે રાજીનામા ન આપે. તબીબો સિસ્ટમથી કંટાળી ગયા છે અને એટલે અહીંથી વિદાય લીધી છે. જાે આવું ને આવું રહ્યું અને વહીવટી તંત્રમાં સુધારો નહીં થાય તો હજુ વધારે રાજીનામા પડી શકે છે.
મહત્વનું છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદેથી ડૉક્ટર જે.વી.મોદીએ રાજીનામું આપ્યા બાદ વધુ ત્રણ તબીબો દ્વારા રાજીનામા પડ્યો હતો જેમાં બી.જે. મેડિકલના ડીન ડૉક્ટર પ્રણય શાહ, મેડિસીન યુનિટના હેડ ડૉકટર બિપીન અમીન, એનેસ્થેસિયાના હેડ ડૉક્ટર શૈલેષ શાહએ પણ રાજીનામું આપી દેતા તબીબી આલમમાં હડકંપ મચી ગયો છે
મહત્વનું છે કે,સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડૉક્ટર શૈલેષ શાહને રિટાયર્ડ થવામાં માત્ર એક જ વર્ષ બાકી હતું.
જ્યારે બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર પ્રણય શાહને માત્ર રિટાયર્ડ થવામાં દોઢ વર્ષ જ બાકી તેમજ સિવિલ હોસ્પિટલના મેડિસન યુનિટના વડા ડૉક્ટર બિપીન અમીનને રિટાયર્ડ થવાના માત્ર બે જ વર્ષ બાકી હતા. તેમ છતાં ત્રણેય તબીબોએ રાજીનામું આપ્યાં હતા, એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે ગાંધીનગરના આરોગ્ય અધિકારીના વલણથી નારાજ થઈને તબીબોએ રાજીનામાં આપ્યા છે.HS