સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાથી બચવા પૂર્વેની અસરકારક કામગીરી
હોસ્પિટલના વોર્ડ થી લઇ સમગ્ર કેમ્પસમાં મચ્છરજન્ય રોગોના ઉત્પતિ સ્થાન પર નિયમિત દવાનો છંટકાવ કરાય છે :- સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી જૈમિન બારોટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી અને દર્દીના સગાઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી અને વાહકજન્ય રોગો માથુ ન ઉચકે તે માટે સમયાંતરે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના ઉપદ્રવને અટકાવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સધન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વરસાદી ઋતુમાં ડેનગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધે નહીં અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સિવિલ સુપ્રીનડેન્ટ દ્વારા સુચારૂ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના સેનટરી ઇન્સ્પેક્ટર શ્રી જૈમિન બારોટ આ વિશે વિગતે જણાવે છે કે, અમારા વિભાગ દ્વારા હંગામી મચ્છર ઇત્પતિ થતા સ્થળો તેમજ કાયમી મચ્છર ઉત્પતિ થતા સ્થળોની સૌ પ્રથમ મોજણી કરવામાં આવે છે.
જ્યાં જ્યાં વધતા ઓછા પ્રમાણમાં ભરાઇ રહેલ પાણીનો ત્વરીત નિકાલ કરવામાં માટે હંગામી ગટરો બનાવી પણી બહાર કાઢવું અથવા ખાડા ભરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન વરસાદી પાણીની પાકી ગટરો સમયાંતરે સાફ કરાવતા રહીએ છીએ જેથી વરસાદી પાણીનો નિકાલ સહેલાઇથી થઇ શકે. હોસ્પિટલ કેમ્પમાં ક્યાંય પણ ખાબોચિયા ભરાયેલ દેખાય ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે છે.
હોસ્પિટલ કેમ્પસમાં વરસાદી ઋતુમાં રોગનો ભરળો ન થાય તે માટે નિયમિત વિવિધ સ્થળોએ ફોગીંગની કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવે છે. બાંધકામની સાઇટ પર મુકવામાં આવેલ બેરીકેટેડ વિસ્તારમાં મચ્છરની દવા અઠવાડિયામાં બે વાર છંટકાવ કરવામાં આવે છે.
મચ્છર ઉત્પતિ અંગેની તપાસણી થયા બાદ જોવા મળતા મચ્છર ઉત્પતિ સ્થળોએ પોરાનાશક દવાઓથી સારવાર આપી નાબૂદ કરવામાં આવે છે. ભારે વરસાદના કારણે નવા ઉત્પન્ન થતા મચ્છર બ્રીડીંગ સ્થાનોની મોજણી કરીને પોરાનાશક કામગીરી નિયમિત કરવામાં આવે છે.
તમામ વોર્ડ/વિભાગોમાં સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી નર્સિંગ સ્ટેશન, ડૉક્ટર રૂમ, સ્ટાફ અને જનરલ સેનેટરી બ્લોક(શૌચાલય સહિત)માં કેરોશીન અને સાયપરનેથ્રીન સ્પેસ સ્પ્રેનો નિયમિત છંટકાવ કરવામાં આવે છે. વોર્ડ અને વિભાગમાં મૂકેલ કુલ પર એક દિવસના સમયાંતરે ટેમીફઓસ/કેરોશીનનો છંટકાવ કરવામાં આવે છે. વરસાદી પાણીના લીધે ઉગી નિકળેલ બિન જરૂરી ઝાડી-ઝાંખરા ધાબા પર તેમજ કંપાઉન્ડમાંથી દૂર કરવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી સોલીડ વેસ્ટનો રોજબરોજ નિકાલ કરવામાં આવે છે.હોસ્પિટલની છત પર પણ પાણી ભરાઇ ન રહે તે માટે રેઇન વોટર સ્પાઉટ પાસેનો કચરો સાફ કરાવી દરેક ધાબા પર અઠવાડીયે સાફ-સફાઇ હાથ ધરવામાં આવે છે.
ધાબા પરનો સ્ક્રેપ, ટાયક-ટ્યુબ, કુંડા, જુની મશીનરી/ઇક્વીપમેન્ટ વગેરેનો નિકાલ કરી ધાબુ ચોખ્ખુ રાખવામાં આવે છે. આ દરિયાન વરસાદી પાણીની પાઇપ તૂટેલી જણાય તો સત્વરે પી.આઇ.યુ. વિભાગને જાણ કરવામાં આવે છે.
ધાબા પર તેમજ કમ્પાઉન્ડમાં સમતલ ન હોય તેવી જગ્યાઓ પર ભરાઇ રહેલ પાણીનો નિકાલ કરાવામાં આવે છે. અને જો આ પાણી નો નિકાલ ન થઇ શકે તેવા સ્થળો પર ભેજવાળી જગ્યાઓ પર કોઇ જગ્યા બાકી ન રહે તે રીતે અઠવાડિયામાં બે વાર પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે.