સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ નન્હી પરીઓને અવતરણ કિટનું વિતરણ કરાયું
‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન- કલેક્ટરએ સિવિલ હોસ્પિટલમાં આવેલા ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની પણ મુલાકાત લીધી
‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આયોજીત ‘નન્હી પરી અવતરણ’ કિટ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદના કલેક્ટર શ્રી કે.કે. નિરાલાના હસ્તે ૧૦૦ જેટલી નન્હી પરીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટર શ્રી કે.કે. નિરાલાએ જણાવ્યું હતું કે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત આજે નાકકડી ગિફ્ટ આ નન્હી પરીઓને આપવામાં આવી હતી. આ અભિયાન થકી સમાજમાં એક મેસેજ આપવા માંગીએ છીએ કે છોકરીઓ આપણા સમાજનું ભવિષ્ય છે.
કલેક્ટર શ્રીએ વધુમાં કહ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો થકી ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ ખાસ કરીને છેવાડાના વર્ગને મળી રહે તેવા પ્રયત્નો સફળતા પૂર્વક કરવામાં આવી રહ્યા છે.
કલેક્ટર શ્રીએ સિવિલ હોસ્પિટલમાં આવેલ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, અમદાવાદની મુલાકાત પણ લીધી હતી. ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના સેન્ટર એડમિનિસ્ટ્રેટર પ્રીતિબેન મોદી, નેહાબેન નાગર અને મિતલબેન પટેલ સાથે બેઠક કરીને ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની કાર્યશૈલીની પણ માહિતી મેળવી હતી.
‘સખી’ વન સ્ટોપ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાનો તાત્કાલીક તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરામર્શની સેવાઓ પુરી પાડવી અને જાહેર, ખાનગી સ્થળે હિંસાનો ભોગ બનનાર મહિલાઓને એક જ સ્થળે તમામ મદદ મળી રહે તેનો છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં કાઉન્સિલિંગ પ્રક્રિયાથી લઇને તમામ પ્રકારની સુવિધાઓ પીડિત મહિલાઓને આપવામાં આવે છે.
આ પ્રસંગે સિવિલ સર્જન ડો. ગુણવતભાઇ રાઠોડ, ઓલ સિવિલ નર્સિંગના ઇ.ચાર્જ ડો.બાબુભાઇ પ્રજાપતિ, આરએમઓ ડો. સંજયભાઇ સોલંકી, ગાયનેક વિભાગના ડોક્ટર્સ તેમજ નર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.