Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલે બે મહિનામાં ૯૫૦ થી વધુ મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સારવાર કરી

૫૫૦ થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી કરાઇ

લાઇફ સેવિંગ “લાયફોસોમેલ ઇન્જેકશન” વિતરણ માટે પાંચ નિષ્ણાંત તબીબોની કમીટી રચાઇ

બ્લડ રીપોર્ટસ અને રોગની ગંભીરતાના આધારે ઇન્જકેશનનું વિતરણ થાય છે.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ૬૭ દિવસમાં ૯૮૪ મ્યુકરમાઇકોસીસના દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી ૫૫૧ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.

ગુજરાત સરકારે મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરી છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસની સારવાર માટે અલાયદા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના તબીબો દિવસ-રાત મ્યુકરમાઇકોસીસ રોગ પીડિત દર્દીઓની સેવા-શુશ્રૂષામાં કાર્યરત છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા પુરા પાડવામાં આવે છે.

મ્યુકરમાઇકોસીસની સારવારમાં ઉપયોગી અન્ય ઇન્જેકશન એવા લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જેકશનના વિતરણ માટે પણ પાંચ નિષ્ણાંત તબીબોની કમીટી બનાવવામાં આવી છે, જે દર્દીની શારિરીક જરૂરિયાત અને બ્લડ રીપોર્ટના માપદંડોના આધારે આ ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.

જે દર્દીના બ્લડ રીપોર્ટસમાં સીરમ અને ક્રિએટીનીનનું સ્તર વધુ હોય, મ્યુકરની ફંગસ(ફુગ) મગજ સુધી પહોંચી હોય, દર્દી એક કિડની પર જ નિર્ભર હોય, નેફ્રોલોજીસ્ટની ભલામણ હોય, તેવા મ્યુકરમાઇકોસીસના દર્દીને જ આ કમિટી દ્વારા આ ઇન્જેકશન આપવાનું નક્કી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.