સિવિલ હોસ્પીટલમાં ૧ર કરોડના ખર્ચે નવો પોસ્ટમોર્ટમ રૂમ બનશે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પીટલ કેમ્પસમાં ૧ર૦૦ બેડની હોસ્પીટલ પાસે રૂા.૧ર કરોડના ખર્ચે નવો પોસ્ટમોર્ટમ રૂમ બનશે. જેમાં કોવિડ ઓટોપ્સી માટેના ખાસ એરિયા સહિત અદ્યતન ઓટોપ્સી લેબોરેટરી અને સેમિનાર હોલ પણ બનાવવામાં આવશે એમ આરોગ્ય વિભાગના સુત્રો જણાવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં આવેલા વર્ષો જૂના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા મૃતદેહને ઉંદર દ્વારા ક્ષતિ પહોંચાડવામાં આવી હોવાની કેટલીક ઘટનાઓ ભૂતકાળમાં બની હતી.
તદુપરાંત ઓછા કોલ્ડ સ્ટોરેજ હોવાને કારણે એક જ કોલ્ડ સ્ટોરેજમાં એકથી વધુ મૃતદેહો મુકાતા હોવાની ફરીયાદો પણ થઈ હતી. બી.જે. મેડીકલ કોલેજ પાસે આવેલો હોલનો પોસ્ટમોર્ટમ રૂમ વર્ષો જૂનો છે. જેને પગલે સિવિલ હોસ્પીટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાંય સમયથી નવા પોસ્ટમોર્ટમ રૂમની માંગણી કરાઈ હતી. પરંતુ કોઈને કોઈ કારણોસર નવા પોસ્ટમોર્ટમ રૂમની પ્રપોઝલ ફાઈલ સરકારી કચેરીઓમાં આગળ વધતી નહોતી.
આરોગ્ય વિભાગના ડાયરેક્ટર ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચના એક ઉચ્ચ અધિકારી કહે છે કે ‘સિવિલમાં નવા પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાની કામગીરીને રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે. આ માટે ૧ર૦૦ બેડની હોસ્પીટલ પાસે જગ્યા પણ ફાળવી દેવાઈ હતી. હવે અહીંયા રૂા.૧ર કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતો નવો પોસ્ટમોર્ટમ રૂમ બનશે.
તેઓ ઉમેરે છે કે ‘નવો પોસ્ટ મોર્ટમ રૂમ બનાવવાની કામગીરી રાજ્ય સરકારનો પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ કરશે. હાલના જૂના પોસ્ટ મોર્ટમ રૂમમાં ૪૦ જેટલા કોલ્ડ સ્ટોરેજ છે. પરંતુ તેમાં પ૦ ટકા જેટલા બંધ છે અથવા તો બગડેલા છે. અહીં ૬ થી ૮ જેટલા જૂના ઓટોપ્સી ટેબલ છે.
તદુપરાંત ભૂતકાળમાં અહીં એર કન્ડીશ્નર બગડી જવાના પણ પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. હવે જ ે નવો બે માળનો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવામાં આવી રહ્યો છે તેમાં ૮૪ જેટલા અદ્યતન કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે આ સેન્ટ્રલી એર કન્ડીશન્ડ પોસ્ટ મોર્ટમ રૂમ કોવિડ ઓટોપ્સી માટે એક ખાસ અલગ એરિયા બનાવાશે. જેથી તેનુ ઈન્ફેકશન ફેલાય નહી. અને વૈજ્ઞાનિક રીતે ઓટોપ્સી કરી શકાય.’