સીંગલ યુઝ પ્લાસ્ટીક સામે મ્યુનિ.કોર્પાેરેશનનું અભિયાન
૨૫.૯૦ લાખ શહેરીજનો આ અભિયાનમાં સહભાગી બન્યા: ૨૯૩ મેટ્રીક ટન પ્લાસ્ટીકનું કલેક્શન |
અમદાવાદ, વડાપ્રધાન દ્વારા ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ લાલકિલ્લા, નવીદિલ્હીથી ૨જી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતને સીંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ભારતનાં જન આંદોલનની શરૂઆત કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદ કોર્પાેરેશન દ્વારા તા.૧૧-૯-૧૯થી તા.૨૭-૧૦-૧૯ દરમ્યાન સ્વચ્છતા ઝુંબેશ, પ્લોગીંગ, ક્લીન એન્ડ ગ્રીન ડ્રાઈવ, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા રેલી, પ્લાસ્ટીક ક્ચરાનું એકત્રીકરણ, શ્રમદાન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરી કામગીરી કરવામાં આવી છે.
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગૃહપ્રધાન પ્રદિપ સિંહ જાડેજા, મેયર બીજલબેન પટેલ, મ્યુનિ.કમિશનર વિજય નહેરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈન્કમટેક્સ, આશ્રમ રોડ ખાતેથી પ્લાસ્ટીક કલેક્શનની (શ્રમદાન) કામગીરી કરી શહેરને સીંગલ યુઝ પ્લાસ્ટીક ફ્રી બનાવવાની ઝુંબેશની શરૂઆત કરી હતી. આ ઉપરાંત શહેરભરમાં શેરી નાટકો, પ્લોગ રન, ચિત્ર સ્પર્ધા, રેલી-સરઘસ જેવા જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્માં શહેરીજનો પ્લાસ્ટીક ફ્રી અભિયાનમાં સહભાગી બન્યા હતા.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૭ ઝોનમાં ૯ જેટલાં સ્થળોએ મોટી સંખ્યામાં શાળાનાં બાળકો, સેવાભાવી સંસ્થાઓ, શહેરીજનો અને લોકપ્રતિનિધિઓને જોડીને રેલી-સરઘસનું આયોજન કરવામાં આવેલ તથા રેલીનાં રૂટમાં પ્લાસ્ટીકના કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી.
વડાપ્રધાનની હાંકલ બાદ મ્યુનિ.કોર્પાેરેશને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવી છે તથા વેપારીઓ તથા નાગરીકોમાં જનજાગૃતિ અભિયાન શરુ કર્યું છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે સીંગલ યુઝ પ્લાસ્ટીકમાં કઈ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેની કોઈ જ માહિતી મ્યુનિ.હોદ્દેદારો અને અધિકારીઓ પાસે નથી. મ્યુનિ.હોદ્દેદારો આ મુદ્દે વહીવટીતંત્ર તરફ ખો આપી રહ્યાં છે. જ્યારે મ્યુનિ.સોલીડ વેસ્ટ ખાતાનાં અધિકારીઓ પ્રતિબંધિત વસ્તુઓની યાદી માટે વડાપ્રધાનનાં ભાષણ તરફ મીટ માંડીને બેઠાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરશે. તેનો જ અમલ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આમ 15 ઓગસ્ટથી સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા માટે જાેરશોરથી જાહેરાતો થાય છે તથા વેપારીઓ પાસેથી આકરાં દંડ વસુલ કરવામાં આવે છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશન પાસે આ મુદ્દે કોઈ ચોક્કસ નીતિ કે માહિતી નથી તે બાબત સ્પષ્ટ થાય છે. |