સીએએથી ભારતમાં ૫૦ કરોડ લોકોની નાગરિકતા ખતમ થશેઃ ઈમરાન ખાન
ઇસ્લામાબાદ, એક તરફ પાકિસ્તાન દેવાળું ફૂંકવાના આરે છે આમ છતાં વડા પ્રધાન ઈમરાન ખાન પોતાના દેશની ચિંતા કરવાને બદલે ભારતની ચિંતા કરી રહ્યા છે. ઈમરાન ખાને ભારતમાં લાગુ થયેલા નાગરિકતા સંશોધન કાયદા મુદે પ્રતિકિયા આપતા કહ્યું કે કાયદો લાગુ થયા બાદ મોટી સંખ્યામાં લોકોની નાગરિકતા ખતમ થઈ જશે. પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશિત અહેવાલના જણાવ્યા મુજબ એક ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને કહ્યું કે ભારતમાં નાગરિકતા કાયદા બાદ એનઆરસી બનાવવામાં આવશે અને આ સમગ્ર કાર્યવાહીમાં ૫૦ કરોડ લોકોની નાગરિકતા ખતમ થઈ જશે. ભારતમાં મોદી સરકાર લઘુમતીઓને અલગ કરી મ્યાનમાર જેવી હિંસાની પરિસ્થિતિ સર્જી રહી છે. આ જ પ્રકારની કાર્યવાહી મ્યાનમારમાં કરવામાં આવી હતી. જયાં પહેલાં મ્યાનમાર સરકારે નાગરિકોની નોંધણીનું કામ કર્યું અને ત્યાર બાદ મુસ્લિમોને અલગ કરી તેનો સંહાર કર્યો. મારી આશંકા છે કે ભારત પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે એમ ઇમરાન ખાને જણાવ્યું.