સીએએ-એનઆરસી વિરૂદ્ધ નાટક મામલે કર્ણાટકની શાળા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ
બેંગલુરૂ, કર્ણાટકના બીડરમાં એક શાળા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાગરિકતા કાયદા અને એનઆરસી વિરૂદ્ધ ડ્રામા દરમિયાન વડાપ્રધાન અંગે અસભ્ય શબ્દોના પ્રયોગને લઈ શાહીન શિક્ષણ સંસ્થા વિરૂદ્ધ કેસ નોંધાયો છે. બે મહિલાઓ અને શાળાના સ્ટાફની પુછપરછ બાદ પોલીસે શાળા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. આ શાળા પર નાગરિકતા કાયદા અને એનઆરસી અંગે યોજાયેલા નાટક દરમિયાન વડાપ્રધાન મોદીની નિંદા કરાઈ હોવાનો આરોપ છે.
સામાજીક કાર્યકર્તા નીલેશ રક્ષ્યાલે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પ્રમાણે નાટકમાં ભાગ લેનારા નાના બાળકો મંચ પરથી સીએએ અને એનઆરસીના વિરોધમાં આપત્તિજનક શબ્દો બોલતા જોવા મળ્યા હતા અને તે સમયે એક બાળકીએ વડાપ્રધાન વિરૂદ્ધ અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો.
શાળા વહીવટી તંત્ર પર લોકોને સીએએ-એનઆરસી વિરૂદ્ધ ભડકાવી એક સમૂદાયના લોકોના મનમાં દેશ છોડવાનો ડર ઉભો કરવાનો આરોપ લાગ્યો છે. બીડરની એક વ્યક્તિએ આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને પોલીસે તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી છે. ફરિયાદકર્તાએ કરેલા દાવા પ્રમાણે આ વીડિયો વાયરલ થવાના લીધે અનેક વિસ્તારોમાં અવ્યવસ્થા સર્જાઈ શકે છે કારણ કે, તેમાં પોલીસ અને સરકાર વિરૂદ્ધ ખોટો સંદેશો રજૂ કરાયો છે.