સીએએ વિરોધ વચ્ચે પાકિસ્તાનથી ૫૦ હિંદુ પરિવારો વાઘા બોર્ડરથી દેશમાં પ્રવેશ્યા
અમૃતસર, નાગરિક્તા સંશોધન કાયદો (ઝ્રછછ)ને લઈને હજુ પણ વિરોધ યથાવત છે, ત્યારે પાકિસ્તાનથી ભારત આવનારા હિંદૂ પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે પાકિસ્તાનથી ૫૦ હિંદુ પરિવારોનું એક ગ્રુપ વાઘા બોર્ડરના રસ્તે ભારત આવ્યું છે. જો કે તમામ લોકો ૨૫ દિવસના ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા છે. આ પરિવારોનું કહેવું છે કે, તેઓ હરિદ્વારમાં ગંગા સ્નાન માટે આવ્યા છે અને હવે તેઓ પાકિસ્તાન પરત જવા નથી માંગતા.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ઝ્રછછ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહી રહેલા બિન મુસ્લિમ અલ્પસંખ્યકોને ભારતની નાગરિક્તા આપવાની જોગવાઈ છે. જો કે નાગરિક્તા માત્ર તેમને જ આપવામાં આવશે, જેઓ ભારતમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ની પહેલાથી રહી રહ્યાં છે. સોમવારે હરિદ્વાર જવાની ઈચ્છા વ્યક્ત કરતા ૫૦ હિંદુ પરિવારોનો એક જથ્થો પંજાબના અમૃતસર સ્થિત વાઘા-અટારી બોર્ડરના રસ્તે ભારત આવ્યું છે.
આ તમામ પાકિસ્તાની હિંદૂ નાગરિકો ૨૫ દિવસના ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા છે. નિયમો અનુસાર, વિઝાનો સમય પૂરો થયા બાદ તેમને પાકિસ્તાન જવું પડશે, પરંતુ તેઓ પાકિસ્તાન પરત જવા નથી માંગતા અને ભારતમાં જ સ્થાયી થવા માંગે છે. હરિદ્વારમાં ગંગા સ્નાન બાદ તેઓ પોતાના ભવિષ્ય પર વિચાર કરશે.
કોઈ પણ દેશમાં વિઝા સમાપ્ત થયા બાદ વિદેશી નાગરિકોનું ત્યાં રહેવું ગેરકાયદેસર હોય છે. સંસદમાં નાગરિક્તા કાયદો પાસ થયા બાદ છેલ્લા થોડા મહિનાઓની ટૂરિસ્ટ વિઝા પર ભારત આવનારા હિંદુ નાગરિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ૨૦૦ હિંદૂ પરિવાર ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. જો કે એ કહેવું મુશ્કેલ છે કે, સોમવારે ભારત આવેલા ૫૦ હિંદુ પરિવારો અહીં સ્થાયી થવા આવ્યા છે કે કેમ?, પરંતુ તેઓ પોતાની સાથે મોટા બિસ્તરા-પોટલા લઈને આવ્યા છે. આથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેઓ પોતાના વિઝાની મુદ્દત સમાપ્ત થયા બાદ પણ ભારતમાં રોકાઈ જશે.