સીએના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓ ઝળક્યા, કુશાગ્ર તાપરીયા દેશમાં ૨૫માં ક્રમે આવ્યો
સુરત: ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પાછલા ડિસેમ્બરમાં લેવાયેલી ઇન્ટરમિડીએટ અને ફાઇનલના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ફાઇનલ પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીઓ ઝળક્યાં છે. જેમાં સુરતનો કુશાગ્ર તાપરીયા દેશમાં ૨૫માં ક્રમે અને અંકુશ જૈન દેશમાં ૫૦માં ક્રમે આવ્યા છે.
સમ્રગ દેશમાં ૨૫મો ક્રમ અને સુરતમા પ્રથમ ક્રમ મેળવનાર કુશાગ્ર તાપરીયાએ શ્રેષ્ઠ પરિણામ અંગે જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેણે અભ્યાસનું ભારણ ઘટાડવા માટે સંગીતનો સહારો લેતો હતો. ઘણી વખત ગીટાર વગાડવા અને સંગીત સાંભળીને હળવા મને અભ્યાસ કરતા કરતા તેણે દેશમાં ૨૫મો ક્રમ મેળવ્યો હતો. ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ફાઉન્ડેશનનાં અભ્યાસક્રમનું પરિણામ ૯૨ ટકા જયારે ઇન્ટરમિડીએટનું ?૪૧ ટકા અને ફાઇનલનું પરિણામ ૩૭ ટકા નોંધાયું છે.
સી.એમ.એનાં અભ્યાસક્રમનાં બીજા વર્ષ સમાન ઇન્ટરમિડીએટનાં અભ્યાસક્રમનાં સુરતનાં પરિણામમાં સુરતની સોનમ અગ્રવાલે દેશમાં ૨૦મો ક્રમ, રૂષાલી અંકુર ગાંધીએ ૪૬મો ક્રમ મેળવ્યો છે. જયારે ફાઇનલની પરીક્ષા આપનાર કુશાગ્ર ટાપરીયાએ દેશમાં ૨૫મો ક્રમ અને અંકુશ જૈનએ દેશમાં ૫૦મો ક્રમ મેળવ્યો છે.
શહેરમાં પ્રથમ ક્રમ મેળવનાર મૂળ રાજસ્થાનનાં કુશાગ્ર ટાપરીયાએ જણાવ્યું હતું કે તેણે ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ મુંબઇની સ્કૂલમાં કર્યો હતો, અને ત્યારબાદ સુરત સ્થાયી થયા હતા. પિતા ટેક્ષટાઇલ ઇન્ડ્સ્ટ્રી સાથે સંકળાયેલા છે. ઉચ્ચ પરિણામ મેળવ્યા બાદ કુશાગ્રએ વધુમાં જણાવ્યું હતુ કે પરિણામ પાછળ ભાગવાનાં સ્થાને હળવુ મન રાખીને અભ્યાસ કરવો જોઇએ, મગજ ઉપર અભ્યાસનું ભારણ નહીં રહે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે.
કુશાગ્રએ વધુમાં જણાવ્યું હતુ કે અભ્યાસનું ભારણ ન રહે તે માટે તે ગીટાર વગાડી અન્યથા સંગીત સાંભળીને મન હળવું કરી લેતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સી.એનાં અભ્યાસક્રમની સમકક્ષ ગણાતા સી.એમનાં અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓ વધુ રસ દાખવી રહ્યા છે. સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના ચેરમેન બ્રીજેશ માળી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનાં કારણે સી.એમ.એનાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સાથે જ સુરતનાં પરિણામની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ રહી છે.