સીએના વિદ્યાર્થી અને તેના પિતા પર ટોળાએ હુમલો કર્યો
અમદાવાદ: એક યુવક અને તેના પિતા પર ૨૭ જુલાઈના રોજ પાડાની ચોરીની શંકા રાખીને ટોળાએ હુમલો કર્યો હતો. આરોપ મુજબ પિતા-પુત્ર પર હુમલાની ઘટના નારોલ વિસ્તારમાં બની હતી. ઘટનાના ૧૫ દિવસ વિત્યા હોવા છતાં પોલીસ હજી સુધી ઘટનાના વિડીયો ફૂટેજ મેળવી શકી નથી. પીડિતોએ આરોપ મૂક્યો છે કે તેમના પર ૨૫ જેટલા લોકોએ હુમલો કર્યો હતો.
જેમાંથી ૬ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સીએનો વિદ્યાર્થી અને એક ખાનગી સ્કૂલમાં શિક્ષક ૨૪ વર્ષીય અવીસ શેખ અને મદરેસામાં અરબી ભાષાનું શિક્ષણ આપતા તેના પિતા કામીલ શેખે ઈદ-ઉલ-અઝા માટે પાડો ખરીદ્યો હતો. પાડાને તેમના ઘરની સામે બાંધી રાખ્યો હતો પરંતુ તે ત્યાંથી છૂટીને ભાગી ગયો હતો.
જે બાદ અવીસ અને તેના પિતા એક મિત્ર સાથે પાડાને શોધવા નીકળ્યા હતા. ઘટનાની વાત કરતાં અવીસે જણાવ્યું, “નારોલ-સરખેજ હાઈવે પર આર.વી. ડેનિમ્સ પાસે અમે એક શખ્સને ઘોડા પર બેસીને આવતો જોયો હતો. અમે તેને પૂછ્યું કે તેણે રસ્તામાં ક્યાંય પાડો જોયો છે?
ત્યારે તેણે ના પાડી અને અમને ત્યાંથી જતા રહેવાની સલાહ આપી હતી. સાથે જ કહ્યું કે, પશુ ઉછેર કરતાં સ્થાનિકો ગાય અને વાછરડું ચોરવાની આશંકાએ અમારા પર હુમલો કરી શકે છે. આ વાત સાંભળીને અવીસ અને તેના પિતા ભયભીત થઈને ઘરે જવા નીકળ્યા હતા. “એ જ વખતે ૨૦-૩૦ લોકોનું ટોળું લાકડીઓ અને ડંડા સાથે અમારી તરફ દોડતું આવી રહ્યું હતું.
મારો મિત્ર ભાગવામાં સફળ રહ્યો પરંતુ હું અને મારા પિતા ટોળાના હાથે ઝડપાઈ ગયા હતા. મારા પિતાને લાતો મારી અને મારપીટ કરી હતી. જ્યારે મોટરસાઈકલ પર આવેલા કેટલાક શખ્સોએ મને ફટકાર્યો હતો. તેઓએ મારતાં મારતાં હાઈવે સુધી મારો પીછો કર્યો હતો”, તેમ અવીસે જણાવ્યું. નારોલમાં આવેલી રૂબી માર્બલ ફેક્ટરી પાસેની ઝાડીઓમાં અવીસના પિતા જીવ બચાવીને સંતાઈ ગયા હતા. તેમણે આરોપ મૂક્યો છે કે, ટોળાએ તેમની હત્યા કરવા માટે ઝાડીઓમાં ભારે પથ્થરમારો કર્યો હતો.