સીએમ કેજરીવાલ માટે તિહાર જેલમાં મેડિકલ બોર્ડની રચના
એઈમ્સના ૫ાંચ ડોક્ટર્સ કરશે હેલ્થ ચેકઅપ
કોર્ટના આદેશ મુજબ કેજરીવાલને માત્ર ઘરનું રાંધેલું ભોજન આપવામાં આવી રહ્યું છે
નવી દિલ્હી, દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત તપાસવા માટે એઈમ્સના ૫ ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. કોર્ટના આદેશ બાદ ૨૩ એપ્રિલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડૉક્ટર નિખિલ ટંડન મેડિકલ બોર્ડનું નેતૃત્વ કરી રહ્યા છે. આ એ જ ડૉક્ટર છે જેમને તિહાર જેલના ડીજીના પત્ર પર અરવિંદ કેજરીવાલની તબિયત પર દેખરેખ રાખવા માટે એઈમ્સમાંથી પહેલેથી જ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલને સોમવાર ૨૨ એપ્રિલથી દરરોજ લંચ પહેલાં ૨ યુનિટ લો-ડોઝ ઇન્સ્યુલિન અને રાત્રે ડિનર પહેલાં ૨ યુનિટ ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ હજુ સુધી મેડિકલ બોર્ડને મળ્યા નથી. ટૂંક સમયમાં મેડિકલ બોર્ડની ટીમ તિહાર જેલમાં જઈને કેજરીવાલનું ચેકઅપ કરી શકે છે.તિહાર જેલના ડોકટરો દરરોજ અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ ચેક કરે છે અને તેમની દેખરેખ રાખે છે. સીએમ કેજરીવાલને કોર્ટના આદેશ મુજબ માત્ર ઘરે બનાવેલું ભોજન આપવામાં આવી રહ્યું છે.
હાલમાં અરવિંદ કેજરીવાલની તબિયત સારી છે.આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં કહ્યું કે તિહાર જેલ અરવિંદ કેજરીવાલ માટે ટોર્ચર રૂમ બની ગઈ છે.સંજય સિંહે આ પત્રમાં કહ્યું છે કે તેમને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વડાપ્રધાન કાર્યાલય ચોવીસ કલાક કેજરીવાલ પર નજર રાખી રહ્યું છે.
એવું લાગે છે કે કોઈ મોટા જાસૂસ સીએમ કેજરીવાલની જાસૂસી કરી રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલને ૨૩ દિવસ સુધી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું. શું દિલ્હીની જનતાની સેવા કરવી એ કેજરીવાલનો ગુનો છે? તેની સાથે આ અંગત દુશ્મની શા માટે? શું તમે વિપક્ષના નેતાનો જીવ લઈને ખતમ કરવા માંગો છો? મને દુઃખ છે કે આ બધું પીએમઓ અને એલજીની દેખરેખમાં થઈ રહ્યું છે.ss1