કોલ ડીટેઈલ વેચવાના રેકેટમાં કોન્સ્ટેબલની સંડોવણી ખૂલી
મામલામાં દિલ્હી પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ: ૫૦૦થી પણ વધુ લોકોનાં રેકોર્ડ વેચ્યાની શંકા
સુરત, લોકોના મોબાઈલ કૉલ ડિટેઈલ રેકોર્ડને (CDR) વેચવાના રેકેટમાં સુરતના પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે. જે બાદ દિલ્હી પોલીસે સુરતના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરતા સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિપુલ રણછોડભાઈ કોરડિયા છેલ્લાં સાતેક મહિનાથી ફરજ પર રહેતો નહોતો.
ત્યારે દિલ્હી પોલીસની તપાસમાં CDR વેચવાના રેકેટમાં કોન્સ્ટેબલની સંડોવણી બહાર આવી હતી. જેથી સુરત પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કરી દીધો હતો. ત્યારે હવે કોન્સ્ટેબલ આ CDR સ્કેમમાં ઝડપાતા પોલીસની વર્દી પર વધુ એક કલંક લાગ્યો છે.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થોડા સમય પહેલાં જ દિલ્હી પોલીસની તપાસમાં CDR વેચવાના રેકેટમાં પોલીસ અને ડિટેક્ટિવ એજન્સીઓની મિલીભગત સામે આવી હતી.
દિલ્હી પોલીસને એવી પણ બાતમી મળી હતી કે એક ખાનગી ડિટેક્ટિવ એજન્સીનો કર્મચારી અનઅધિકૃત રીતે CDRનો વેપલો કરી રહ્યો છે. બાતમીના આધારે દિલ્હી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી અને આ રેકેટના સૂત્રધાર સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે પાલમમાં રહેતા ૨૨ વર્ષીય પવન કુમારની ધરપકડ કરી હતી.
એ પછી પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે, સુરતમાં ડિટેક્ટિવ એજન્સી ચલાવતો મિતેષ શાહ પણ આમા સંડોવાયેલો છે. બાદમાં કોન્સ્ટેબલ વિપુલ કોરડિયાની સંડોવણી સામે આવી હતી. જે બાદ દિલ્હી પોલીસ ૧૩ ઓગસ્ટના રોજ સુરત આવી હતી અને તપાસ કરતા વિપુલ કોરડિયા રજા પર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ ૫૦૦થી પણ વધુ CDR વેચ્યા હતા.
એવું પણ સામે આવ્યું હતું કે પોલીસ સાથેની મિલીભગતથી આરોપીઓએ CDRનો વેપલો કરતા હતા. માત્ર ૨૫ હજાર જેટલી રકમમાં CDR વેચવામાં આવ્યો હતો. એવું પણ સામે આવ્યું હતું કે, લગ્નેત્તર સંબંધો અને વૈવાહિક વિવાદોના કેસમાં CDR વેચવામાં આવતા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે સુરતના કાપોદ્રામાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ વિપુલ કોરડિયા પણ આ સંડોવણીમાં સામેલ છે.
જે બાદ દિલ્હી પોલીસે આરોપી કોન્સ્ટેબલ વિપુલ કોરડિયાની ધરપકડ કરી હતી. કોન્સ્ટેબલ સાથે આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે એ પોલીસની તપાસમાં સામે આવશે. આ રીતે લોકોના ઝ્રડ્ઢઇ વેચવાના રેકેટનો પર્દાફાશ થતા સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
આરોપી વિપુલ કોરડિયાએ એવું પણ કબૂલ્યું હતું કે તે તેના મિત્ર સંતોષ ઉર્ફે અર્જુન લોકડેની કમ્પ્યુટરની ઓફિસનો ઉપયોગ કરીને CDR મેળવતો હતો. પછી આ ડેટા તે પેન ડ્રાઈવમાં લઈને મિતેષ શાહને આપી દેતો હતો. મિતેષ શાહ આ ડેટા પવન કુમાર નામના શખસને આપી દેતો હતો,
એવું પોલીસે જણાવ્યું હતું.પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આરોપી કોન્સ્ટેબલ વિપુલ કોરડિયા છેલ્લાં સાત મહિનાથી ફરજ પર આવતો નહોતો. બાદમાં તેણે દિલ્હીની ડિટેક્ટિવ એજન્સીને આ રેકોર્ડ વેચવાનો વેપલો શરુ કર્યો હતો. દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ આરોપી વિપુલ કોરડિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.ss1