Western Times News

Gujarati News

સીપ્લેન નિયમિત રીતે ઉડે તે માટે ૧૦ લાખનો ખર્ચ કરાશે

ચોમાસાની સીઝન પૂર્ણ થયા પછી ફરી સી પ્લેન માટેની સર્વિસને શરૂ કરવા માટે વધારાની તૈયારી થઈ રહી છે

અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરું કરવામાં આવી હતી. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી આ સર્વિસને ફરી શરું કરતા પહેલા તેના બંને તરફના એરોડ્રોમ પર એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે.

ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા રિવરફ્રન્ટ પર હાલના વોટર એરોડ્રોમ ઓપરેશન સેન્ટરની ઉપર એક વધારાનું શેડ બનાવામાં આવશે જેથી ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગમાં સરળતા રહે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સી પ્લેન સેવા હાલમાં સ્થગિત છે અને સપ્ટેમ્બરમાં ફરી શરૂ થવાની શક્યતા છે. આ સેવા માટે મોનિટરીંગ પોસ્ટની જરૂરિયાત સમજાવતા એક અધિકારીએ કહ્યું કે સી પ્લેનનું સંચાલન વિઝ્‌યુઅલ ફ્લાઇટ રૂલ્સ પર આધારિત છે.

તેનો સીધો અર્થ એ છે કે વિમાન તેને ચલાવનાર ને સ્પષ્ટ દેખાય તેવી હવામાન પરિસ્થિતિઓમાં કાર્ય કરે છે. વાદળો, વરસાદ, ધુમ્મસ, લો વિઝિબિલિટી અને પ્રતિકૂળ હવામાન દરમિયાન આ સેવામાં અવરોધ ઉભા થાય છે. વોટર એરોડ્રોમમાં પહેલેથી જ હવામાન મોનિટર, બિકન, લેન્ડિંગ-ટી અને વિન્ડસોકથી સજ્જ એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન છે.

જાે કે, હાલમાં જે ઊંચાઈ પર છે તે પક્ષીઓની હિલચાલ પર નજર રાખવા માટે યોગ્ય નથી. તેથી આ જ સ્થળે ઉપર પ્લેનના માર્ગમાં આવતા અવરોધો પર નજર રાખવા માટે એલિવેટેડ કેબિન બનાવવામા આવશે. તેના માટે ૧૦ લાખ રૂપિયાના રોકાણની જરૂર પડશે.

નવા સ્ટેશનના નિર્માણ માટે તાજેતરમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને રસ ધરાવતી પાર્ટીને આમંત્રિત કરવામાં આવી હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલર તરફથી કોમ્યુનિકેશન્સ, નેવિગેશન એન્ડ સર્વેલન્સ સિસ્ટમ્સ અને સંબંધિત મોનિટરિંગ ચાલુ રહેશે. સુસ્થાપિત સૂત્રોએ જણાવ્યું હતું કે પાલિતાણા નજીક શેત્રુંજય ડેમ પર વોટર એરોડ્રોમ સ્થાપિત કરવા માટે ૨ એકરના પ્લોટને પણ સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.