CBIમાં નિર્ધારિત ડ્રેસ કોડ પ્રમાણે કપડાં પહેરવા પડશે
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) અધિકારીઓ અને સ્ટાફના પહેરવેશમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. નવા આદેશ અંતર્ગત અધિકારીઓ કાર્યાલયમાં ડ્યુટીના સમયે માત્ર નિર્ધારિત ડ્રેસકોડ પ્રમાણેના કપડાં જ પહેરી શકશે. તેમના દ્વારા જીન્સ, ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરવા પર પ્રતિબંધ રહેશે. સીબીઆઈના નવા ડિરેક્ટર સુબોધ કુમાર જાયસવાલે આ આદેશ આપ્યો છે.
નવા ડિરેક્ટરે જાહેર કરેલા આદેશ પ્રમાણે હવેથી સીબીઆઈના દરેક અધિકારી કે કર્મચારીએ કાર્યાલયમાં યોગ્ય ફોર્મલ કપડાં પહેરવા પડશે. તેમાં પણ પુરૂષ અને મહિલા અધિકારીઓ માટે અલગ-અલગ નિર્દેશ આપવામાં આવ્યો છે. પુરૂષ અધિકારીઓએ ફોર્મલ શર્ટ-પેન્ટ અને ફોર્મલ પગરખાં પહેરવા પડશે અને સાથે જ દાઢી કરીને જ કાર્યાલય આવવું પડશે. જ્યારે મહિલા ઓફિસર્સ અને કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, ડ્યુટીના સમયે તેઓ ફક્ત સાડી, સૂટ અને ફોર્મલ શર્ટ જ પહેરી શકશે.
સીબીઆઈના ડિરેક્ટર સુબોધ કુમારની મંજૂરી સાથે નાયબ ડિરેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં દેશભરમાં સીબીઆઈની તમામ શાખાઓના પ્રમુખોને નિર્દેશોનું આકરૂં પાલન થાય તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.