‘સીમા તિરંગા’ યાત્રાને પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્યમંત્રી
સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિત્વમાંથી યુવા પેઢીએ પ્રેરણા લેવી જોઇએ – નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીના અવસરે સીમાજન કલ્યાણ સમિતિ, ગુજરાત દ્વારા આયોજીત ‘સીમા તિંરગા’ યાત્રાને ગુજરાત યુનિવર્સિટીથી પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, આજની યુવા પેઢીએ સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેવી જોઇએ.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતિ બીજલબેન પટેલ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાશું પંડ્યા, અખિલ ભારતીય સીમા જાગરણ મંચના સહસંયોજક મુરલીધરજી, ગુજરાત સીમાજન કલ્યાણ સમિતિના પ્રદેશ મહામંત્રી શ્રી જીવણભાઇ આહિર, સીમાજન કલ્યાણ સમિતિના ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વિની શર્મા તેમજ સીમાજન કલ્યાણ સમિતિના પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ભારે શક્તિશાળી બનાવી હતી અને આ ફોજને આધુનિક યુદ્ધ માટે તૈયાર કરવા જન, ધન અને સંસાધન એક્ઠા કર્યા હતા. આજની યુવા પેઢીએ પણ ભારતના સાચા નાગરિક બનીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઇએ.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતની તમામ સીમાઓ પર જવાનો દેશની રક્ષા કરવા માટે ખડેપગે ઊભા છે. ભારતની સીમાઓ પર વસતા નાગરિકોને દેશવિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે જાગૃત કરવા જરૂરી છે અને તે અંગેની કામગીરી ચાલી રહી છે.
આ ‘સીમા તિરંગા’ યાત્રામાં ૧000થી વધુ વિદ્યાર્થીઓ સહિત સીમાજન કલ્યાણ સમિતિના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ જોડાયા હતા.