સીરિયલમાં રોલ અપાવવાના બહાને ૩.૫૨ લાખની ઠગાઈ
વડોદરા, હીરોઈન બનવાનાં સપના આજકાલ દરેક યુવતીને આવતા હોય છે. પરંતુ યુવતીના મા-બાપ પોતાની છોકરીને હીરોઈન બનાવવા પાછળ લાખો ગુમાવે તેવો કિસ્સો ભાગ્યે જ સામે આવે છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવતા માતા-પુત્રીને વિશ્વાસમાં લઇ દીકરીને બોલિવુડમાં અને સીરિયલમાં રોલ આપવાના બહાને અલગ-અલગ બહાને ૩.૫૨ લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે.
ગોરવા પોલીસે આ મામલે બે શખસો વિરુદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, બે શખસોએ સીરિયલમાં કામ કરવા માટે બોગસ લેટર પણ આપ્યો હતો. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રેમલતાબેન શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવે છે.
બે વર્ષ અગાઉ તેઓ ૧૨ વર્ષની દીકરી સાથે કામ અર્થે નીકળ્યા હતા, ત્યારે સલૂનમાં કામ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે, તમારી દીકરી ખુબ સુંદર છે, જેથી તમે તેને ફિલ્મોમાં કામ કરાવો તો સારું તેમ જણાવીને તેણે મેકઅપ આર્ટિસ્ટ મહિલાનો સંપર્ક કરાવ્યો હતો.