Western Times News

Gujarati News

સીસીટીવી બંધ કરીને આચાર્યએ વિદ્યાર્થીને ફટકાર્યો

રાજકોટ, રાજકોટ શહેરની એક શાળા અત્યારે વિવાદમાં સપડાઈ છે. આ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આરોપ મૂક્યો છે કે શાળાના આચાર્યએ લાકડી વડે તેને ફટકાર્યો છે. શાળાના આચાર્યને લાગ્યું કે બાથરુમનું વોશબેસિન આ વિદ્યાર્થીએ તોડ્યું છે, જેના કારણે તેને શારીરિક સજા આપી હતી.

કેસની વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલી ઓમકાર શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, શાળાના આચાર્ય રજનિશ ગઢિયાએ સૌથી પહેલા તેમના ચેમ્બરના સીસીટીવી કેમેરા બંધ કર્યા અને પછી કથિત રીતે તેને માર માર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આચાર્યના મારને કારણે વિદ્યાર્થીને પગ, હાથ, છાતી અને કમરમાં ઈજા થઈ છે. કેસની માહિતી અનુસાર, ફરિયાદી વિદ્યાર્થી રીસેસ દરમિયાન વૉશરુમ ગયો હતો અને તેણે જાેયું કે બેસિન તૂટેલુ પડ્યું છે. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, મંગળવારના રોજ શાળામાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પાર્ટી દરમિયાન અમુક વિદ્યાર્થીઓ વૉશરુમમાં લડ્યા હતા જેના પરિણામે બેસિન તૂટી ગયુ હતું. આજી ડેમ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી.જે. ચાવડા જણાવે છે કે, અમુક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી કે પીડિત વિદ્યાર્થીએ બેસિન તોડ્યું છે.

બુધવારના રોજ જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો તો તેના વર્ગ શિક્ષકે પૂછ્યું કે તેણે બેસિન કેમ તોડી કાઢ્યું? વિદ્યાર્થીએ આરોપ ફગાવ્યો પરંતુ વર્ગ શિક્ષક તેની વાત માનવા તૈયાર નહોતા અને તેને આચાર્ય પાસે લઈ ગયા. આચાર્યએ વિદ્યાર્થીના પિતાને પણ બોલાવ્યા, જેમણે કહ્યું કે જાે મારા દીકરાએ બેસિન તોડ્યું હોય તો હું રિપેર કરાવવા માટે તૈયાર છું.

ઈન્સ્પેક્ટર વી.જે.ચાવડા જણાવે છે કે, આચાર્ય વિદ્યાર્થીની વાત પર વિશ્વાસ કરવા રાજી નહોતા અને તેને ગુનો કબૂલવા માટે દબાણ કરતા રહ્યા. જ્યારે તેણે ગુનો ના કબૂલ્યો તો કથિત રીતે તેને સજા આપી હતી. ઘરે પહોંચ્યા પછી વિદ્યાર્થીએ સમગ્ર વાત પોતાના પિતાને કરી હતી. તે પોતાના દીકરાને હોસ્પિટલ લઈ ગયા અને આજી ડેમ પોલીસ પાસે પણ લઈ ગયા હતા જ્યાં સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યુ હતું.

શાળાના આચાર્ય અને એડમિનિસ્ટ્રેટર ધર્મેશ ગઢિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઈન્સ્પેક્ટર ચાવડા જણાવે છે કે, અમે સેક્શન ૩૨૩ અંતર્ગત બન્ને આરોપીઓની અટકાયત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.