Western Times News

Gujarati News

સી. આર. પાટીલ પ્રવાસની શરૂઆત અંબાજીના દર્શનથી કરશે

ત્રણ સપ્ટેમ્બરથી પ્રવાસની શરૂઆત કરશે-ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પ્રદેશની જવાબદારી સંભાળ્યા બાદથી જ ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે
અંબાજી, ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રદેશની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ બાદ હવે ઉત્તર ગુજરાતના સાત સરહદી વિસ્તાર સાહિતના જિલ્લાઓનો પ્રવાસ આગામી ત્રણ સપ્ટેમ્બરથી શરૂ કરવાના છે. ત્યારે સીઆર પાટીલ ઉત્તર ગુજરાતનો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતેથી માં અંબાના દર્શન કરી શરૂ કરવાના છે.

જેના આયોજનને લઈને ગુજરાત ભાજપાના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શંકરભાઇ ચૌધરી આજે અંબાજીની સ્થળ ચકાસણી તેમજ આયોજન અર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં સીઆર પાટીલના અંબાજી દર્શનથી લઇ સભા સ્થળ સુધીના સ્થળોની મુલાકાત કરી પાટીલનો પ્રવાસ સફળ બને તેવા આયોજન હાથ ધર્યા છે. આ સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના તેમજ સ્થાનિક ભાજપ મંડળના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ યોજી કાર્યક્રમને સફળ બનાવા જણાવ્યું હતું.

જોકે, સીઆર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત અંબાજીથી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સી.આરની રક્ત તુલાનું પણ આયોજન કરાયું છે. આ સાથે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ઢોલના ધબકારે સીઆર પાટીલના સ્વાગત ની તૈયારીઓ હાથ ધરાઈ હોવાનું પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું. સાથે પાટણ ખાતે પણ સીઆર પાટીલને સેનેટાઇઝર તેમજ માસ્કથી તોલવામાં આવશે. જેમાં સેનેટાઇઝર દેવસ્થાનોમાં તેમજ માસ્ક સફાઈ કામદારોને આપવામાં આવશે.

નોંધનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લોકસભાની ૨૬ માંથી ૨૬ની જેમ વિધાનસભાની ૧૮૨માંથી ૧૮૨ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યમાં ભાજપની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ખાસ કરીને ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને માત્ર ૯૯ બેઠકો મળ્યા બાદ સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલનની પરિસ્થિતિ કેવી છે તે ચકાસવા પાટીલ પોતે પ્રવાસ પર નીકળી ગયા છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.