સી પ્લેનને લઈને ગુજરાતનાં બે મહત્વનાં રૂટ જાહેર થયા
અમદાવાદ: ગુજરાતમાં હવે ગુજરાતીઓનું સી પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ શકશે. આગામી ઓક્ટોબર મહીનામાં રાજ્યમાં સામાન્ય માણસ પણ સી પ્લેનમાં મુસાફરી કરી શકશે. સી પ્લેનને લઈને ૧૬ રૂટમાં અમદાવાદમાં સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્લેન ચલાવવાની યોજના શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ ‘ચા ચર્ચા’ બેઠક દરમિયાન આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “સી પ્લેનનો ટુરિઝમ માટે દુનિયામાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.
તેવી જ રીતે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે હેતુસર પીએમ મોદીનાં નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત ૧૬ રૂટ પર સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. જેમાંથી ગુજરાતમાં ૨ રૂટ પર સી પ્લેન યોજના શરૂ થશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. ઓક્ટોબર સુધી ગુજરાતમાં પ્રવાસીઓ માટે સાબરમતીથી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. સાબરમતી અને સરદાર સરોવર-નર્મદા રોડ પર સી-પ્લેન યોજના ચાલુ કરવાથી પર્યટન વધારવામાં પણ મદદ કરશે.”
અત્રે નોંધનીય છે કે, સમુદ્ર વિમાનને સી પ્લેન કહેવામાં આવે છે કે જે પાણીની સપાટી પર ઉતરાણ કરવામાં સક્ષમ હોય છે. કેટલાંક સમુદ્રી વિમાનો પણ આ રીતે ઉડાન ભરી શકે છે અને જમીન અને પાણી એમ બંનેની સપાટી પર ઉતરાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ૨૦૦ કિમીની યોજના તો સાબરમતીથી પાલીતાણા સુધીની ૨૫૦ કિમીની યોજના રહેશે. હાઈડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પૂર્ણ થયું છે.