સુએજ ફાર્મની કરોડો રૂપિયાની જમીન સસ્તાં ભાવે આપવાનું કૌભાંડઃ કોંગ્રેસનો વિરોધ
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુએજ ફાર્મની રૂ.૧૦૦ કરોડની કિંમતની જમીન બારોબાર ટોકન ભાડે આપી દેવાની વિવાદી દરખાસ્ત મૂકવામાં આવી છે. શહેરના કર્ણાવતી ટેક્ષટાઈલ એસોસીએશન દ્વારા સીઈટીપી પ્લાન્ટ બનાવવા માટે સુએજ ફાર્મ એટલે કે, કચરાના નિકાલના હેતુ માટે નીમ કરેલી મોજે શાહવાડીના સરવે નં.૩૬૮, ૩૬૯, ૩૭૦ પૈકીની આશરે ૮૧,૮૦૦ ચો.મી.(૫૦,૦૦૦ ચો.વાર) જમીનની માંગણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિ.એ કર્ણાવતી એસોસિએશનને જમીન વેલ્યુએશન આધારિત જે ભાવ નક્કી થઈને આવે તે મુજબના બજાર ભાવથી પ્રિમિયમ લઇ વાર્ષિક રૂા.૨.૫૦ પ્રતિ ચો.મી.ના ભાડાથી જમીન આપવાનું નક્કી કરાયું છે. જેની સામે વિવાદ પેદા થયો છે તથા કોંગ્રેસ પક્ષે તેનો વિરોધ કર્યાે છે.
મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ આ અંગે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, કર્ણાવતી ટેક્ષટાઈલ એસોસિએશનને કરોડો રૂપિયાનો ફાયદો થાય તે પ્રકારે જમીન નજીવા ટોકન ભાડે આપવાનું સેટિંગ પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.ની સુએજ ફાર્મની જમીન માત્ર સુએજ ફાર્મના હેતુ માટે નીમ કરેલી છે.
જેથી તે કોઈને વેચાણ કરી શકાય તેમ નથી. આથી, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા સેટિંગ પાડીને માત્રને માત્ર ટેક્સટાઈલ એસો.ને ફાયદો કરાવવા માટે ગોઠવણ પાડવામાં આવી છે. રૂ.૧૦૦ કરોડની કિંમતની જમીન માત્ર પ્રતિ ચો.મી. વાર્ષિક ૨.૫૦ રૂપિયા લઈ આપી દેવામાં આવે તે યોગ્ય નથી. આ તમામ ટેક્સટાઈલ યુનિટ નફો રળનારા છે તેવામાં આ પ્લાન્ટ ઉભો કરવાથી તેમનો ફાયદો થશે. તો મ્યુનિ.ની તિજાેરીને ફાયદો થાય પ્રકારે ભાડાની રકમ નક્કી કરવી જાેઈએ. મ્યુનિ.ની નીતિ પ્રમાણે તેમની પાસે ભાડુ અને અદલા-બદલામાં જમીન લેવી જાેઈએ.
અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનની નીતિ મુજબ, સીઈટીપી બનાવવા માટે નારાલે એસોસીએશનને વર્ષ ૨૦૧૦ના અરસાનાં સુએજ ફાર્મના હેતુ માટેની ગ્યાસપુરના સરવે નં.૩૪ પૈકીની ૧૧.૩૭ હેક્ટર જમીન આપવામાં આવી હતી.
પણ મ્યુનિ.એ અદલા-બદલાની નીતિથી જમીનની ફાળવણી કરી હતી એટલે કે, પ્લાન્ટ કાર્યરત રહે ત્યાં સુધી તેટલા ક્ષેત્રફળની જમીન અદલા-બદલામાં લેવાઈ હતી. આ સિવાય બીજા કિસ્સામાં ૨૦૧૩ની સાલમાં ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસો.ને મોજે બહેરામપુરના સરવે નં.૧૩૮ ૧૫૪ પૈકીની ૨૦,૦૮૭ ચો.મી. જમીન આપવામાં આવી હતી. જેના બદલામાં પણ મ્યુનિ.એ જમીન લીધી હતી.
અત્યાર સુધી મ્યુનિ. જ્યારે પણ એસો.ને જમીન આપે તો તેના બદલામાં જમીન લે છે જે ગેરંટી હોય છે કે, એસો.દ્વારા જ્યારે પ્લાન્ટ બંધ કરવામાં આવે તો તેમને તેમની જમીન પરત મળી શકે છે. ઉપરાંત અદલા-બદલામાં મળેલી જમીન મ્યુનિ.ની માલિકીની રહે છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા કર્ણાવતી ટેક્ષટાઈલ એસો.ના કિસ્સામાં શું કરવા નીતિ બદલીને તેને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માંગે છે. આ નરી આંખે જાેઈ શકાય તેવો ભ્રષ્ટાચાર છે.
ભૂતકાળમાં મ્યુનિ.તંત્રએ બે એસોસીએશને પ્લાન્ટ બનાવવા માટે જમીન આપી તો તેના બદલામાં જમીન લીધી છે તો પછી આ કિસ્સામાં આવું કેમ કરાયું નથી. ઉપરાંત બજાર કિંમત નક્કી કર્યા પહેલાં જમીન ટોકન ભાડે આપવાની ઉતાવળ શું છે.
અમદાવાદ મ્યુનિ.દ્વારા કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે એસો.ને જમીન પ્રિમિયમથી આપતાં પહેલાં કે ટોકન ભાડે આપતાં પહેલા તેની બજાર કિંમત નક્કી કરવામાં આવે છે. જમીન મૂલ્યાંકન કમિટી બજાર કિંમત નક્કી કરે પછી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવે છે પણ આ પહેલો કિસ્સો છે જેમાં બજાર કિંમત નક્કી થાય તે પહેલાં જ ટોકન ભાડે જમીન આપવાની ઉતાવળ કરાઈ છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશને કર્ણાવતી એસો.ને ૫૦ હજાર ચો.વાર જમીન મફતના ભાવે આપવા જઈ રહી છે પણ આ એસોસીએશનને કેટલા એમએલડીનો પ્લાન્ટ બનાવવો છે તેની કોઈ વિગતો જાહેર કરાઈ નથી. આ કર્ણાવતી એસો. સાથે ૧૫૦ યુનિટો જાેડાયેલાં છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે પણ ખરેખર સ્થળ ઉપર ૧૫૦ યુનિટો કાર્યરત છે જે તપાસનો વિષય છે. અહીં આટલા યુનિટો કાર્યરત ન હોવા છતાં ખોટા આંકડા દર્શાવીને મ્યુનિ.પાસે જમીન લેવાનું ષડયંત્ર કરાઈ રહ્યું છે. ઉપરાંત અમારી પાસે એવી માહિતી પણ છે કે, પહેલાં જમીન મેળવીને પ્લાન્ટ ઉભા કરાશે પછી આસપાસની જમીનોને ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કરીને વેચાણ કરાશે અને પછી ચોક્કસ હીત ધરાવતાં લોકોને કરોડો રૂપિયાનો ફાયદો થશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનને અમારો પ્રશ્ન છે કે જાે બહેરામપુરા અને સુએજ ફાર્મમાં જાે ૧૫૦ ટેક્સટાઈલ યુનિટો કાર્યરત છે તો તેનો કેમિકલયુક્ત પાણીનો નિકાલ અત્યારની સ્થિતિમાં કેવી રીતે થાય છે ? જાે અહીં ૧૫૦ યુનિટ કાર્યરત હોય તો તેના દૈનિક કેટલા એમએલડી કેમિકલના પાણી (ક્ચરો)નીકળી રહ્યાં છે અને તે ક્યાં ઠલવાઈ રહ્યાં છે ? જાે મ્યુનિ.ની ગટરમાં કે પછી સાબરમતી નદીમાં ઠલવાતાં હોય તો તે ગેરકાયદે છે. આજદિન સુધી કેટલાં યુનિટોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે તે મહત્ત્વનો પ્રશ્ન છે. જાે અહીં હાલમાં ૧૫૦ યુનિટ કાર્યરત ન હોય તો પછી તે સ્થળે યુનિટ કાર્યરત કરવાની ગોઠવણ ચાલી રહી છે તો નફો રળવા માટેના આ કૌભાંડમાં મ્યુનિ.ના સત્તાધીશો સામેલ છે અને તેમની કેટલી કટકી છે તે પણ જાહેર કરવું જાેઈએ. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.