સુદાનમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ

નવીદિલ્હી, તખ્તાપલટ બાદ આફ્રિકન દેશ સુદાનમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એવી છે કે આખો દેશ લૂંટ પર ઉતરી આવ્યો છે. યુનાઈટેડ નેશન્સે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સુદાન ને અનાજ પહોંચાડ્યું હતું, પરંતુ લોકોએ તેને લૂંટી લીધું હતું. સુદાનના ઉત્તરી ડાર્ફુર રાજ્યમાં ત્રણ વેરહાઉસ પર હુમલા બાદ આ કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો છે. આ હુમલાઓમાં ૫,૦૦૦ મેટ્રિક ટન (ટન) થી વધુ અનાજની લૂંટ કરવામાં આવી હતી.
યુએન ફૂડ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૨૨ માં કાર્યક્રમ બંધ થવાથી સુદાનમાં લગભગ ૨૦ લાખ લોકો પ્રભાવિત થવાની ધારણા છે. તે જ સમયે, સુદાનમાં ગુરુવારે સૈન્ય શાસન વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં પોલીસ કાર્યવાહીમાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે.
સુદાનમાં ૨૫ ઓક્ટોબરે થયેલા તખ્તાપલટ બાદ આખો દેશ હિંસાની ઝપેટમાં છે. ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે. ગુરુવારે સુદાનમાં ૧૧મો સૌથી મોટો વિરોધ થયો હતો. સુદાનના ડોકટરોની સેન્ટ્રલ કમિટીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ૫૩ લોકોના મોત થયા છે.
સુદાન પહેલેથી જ દુષ્કાળની ઝપેટમાં છે, તેથી ખાદ્યપદાર્થોની અછતથી લોકો ગુસ્સે થયા છે. અગાઉ ૨૦૦૩માં પૂર્વ રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરના નેતૃત્વમાં થયેલા સંઘર્ષમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.સુદાનમાં અશાંતિએ લઘુમતી વંશીય બળવોને વેગ આપ્યો છે.
આ લોકોએ તત્કાલિન રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરની આરબ પ્રભુત્વવાળી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. તમને જણાવી દઈએ કે બશીર દારફુલ હત્યાકાંડમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં વોન્ટેડ છે. જન આંદોલન બાદ એપ્રિલ ૨૦૧૯માં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અનુસાર, હિંસાને કારણે હજારો લોકોને તેમના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. ૨૫ ઓક્ટોબરે લશ્કરી વડા જનરલ અબ્દેલ ફતાહ અલ-બુરહાનની આગેવાની હેઠળના બળવા પછી હિંસા થઈ હતી.ગયા અઠવાડિયે, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે, લૂંટફાટની નિંદા કરતી વખતે, એલ ફાશરમાં યુએનના ભૂતપૂર્વ લોજિસ્ટિક્સ બેઝ નજીક હિંસાની જાણ કરી હતી. જે થોડા દિવસો પહેલા સ્થાનિક સત્તાવાળાઓને સોંપવામાં આવી હતી.
માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયના જણાવ્યા મુજબ, ૧૪ મિલિયનથી વધુ સુદાનના લોકોને આવતા વર્ષે માનવતાવાદી સહાયની જરૂર પડશે, જે એક દાયકામાં સૌથી વધુ છે.સુદાન વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે.
અહીં સોનાની ખાણોમાં ૨૦ લાખથી વધુ લોકો કામ કરે છે. જાેકે, આ ખાણો સુરક્ષિત નથી. અહીંથી ખાણોમાંથી સોનું ખૂબ જ જટિલ સ્થિતિમાં કાઢવામાં આવે છે. સરકારી આંકડા દર્શાવે છે કે ૨૦૨૦માં અહીંથી ૩૬.૬ ટન સોનું કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર ખંડમાં મળી આવેલ સોનાનો બીજાે સૌથી વધુ જથ્થો હતો.HS