સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં શશિ થરૂર નિર્દોષ જાહેર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Shashi-Tharoor-scaled.jpg)
પોલીસ સુનંદાનાં મૃત્યુનું કારણ ન જાણી શકી-દિલ્હીની એક અદાલતના આદેશથી કોંગ્રેસ નેતાને રાહત
નવી દિલ્હી, દિલ્હીની એક અદાલતે કોંગ્રેસ નેતા શશિ થરુરને મોટી રાહત આપી છે. સુનંદા પુષ્કરના મૃત્યુને લગતા કેસમાં થરુરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ દિલ્હીની એક હોટલમાંથી સુનંદા પુષ્કરનો મૃતદેહ મળ્યો હતો.
દિલ્હી પોલીસ અનુસાર, આ કેસમાં સુનંદાના પતિ શશિ થરુર મુખ્ય આરોપી છે. થરુર અત્યાર સુધી આ કેસમાં જામીન પર હતા.
શશિ થરુર વિરુદ્ધ દિલ્હી પોલીસે આઈપીસીની કલમ ૪૯૮એ અને ૩૦૬ અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચુકાદા પછી કોર્ટનો આભાર વ્યક્ત કરતાં થરુરે કહ્યું કે, આ સાડા સાત વર્ષ તેમના માટે એક ટોર્ચર સમાન હતા. દિલ્હીની વિશેષ અદાલતમાં થરુર વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો આદેશ ગત્ત માહમાં પાંચમી વાર ટાળવામાં આવ્યો હતો.
શશિ થરુરનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ એડવોકેટ વિકાસ પાહવાએ આ કેસમાં શશિ થરુરને આરોપ મુક્ત કરવાની માગ કરતાં કહ્યું કે શશિ થરુર વિરુદ્ધ શારીરિક અથવા માનસિક પ્રતાડનાનો આરોપ લગાવવામાં નથી આવ્યો. પાહવાએ દલીલ કરી છે કે પોલીસે તપાસ પર ચાર વર્ષ પસાર કર્યા પરંતુ સુનંદા પુષ્કરના મૃત્યુનું કારણ નથી જાણી શકી.
સુનંદા પુષ્કરનો મૃતદેહ ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪ની સાંજે હોટલના રુમમાંથી મળી આવ્યો હતો. શરુઆતમાં દિલ્હી પોલીસે હત્યાની તપાસ કરી અને આઈપીસીની કલમ ૩૦૨ અંતર્ગત ગુનો દાખલ કર્યો પરંતુ પછીથી શશિ થરુર પર કલમ ૩૦૬ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો અને ૪૯૮એ અંતર્ગત ક્રૂરતાનો આરોપ મુક્યો હતો.
એડવોકેટ અતુલ શ્રીવાસ્તવે દલીલ કરી હતી કે મૃત્યુ પહેલા સુનંદાના શરીર પર ઈજાના નિશાન હતા જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાેવા મળ્યા હતા. તેમના રુમમાં અલ્પ્રેક્સની ૨૭ ગોળીઓ મળી હતી, જાે કે સ્પષ્ટ નહોતું કે તેમણે ગોળીઓ ગળી હતી.
આજના ચુકાદા પછી શશિ થરુરે જજ ગિતાંજલી ગોયલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના પર અનેક આરોપો મુકવામાં આવ્યા હતા પરંતુ તેમને ભારતની ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ હતો. તેમણે જણાવ્યું કે, આપણી સિસ્ટમમાં પ્રક્રિયા પણ ઘણીવાર સજા સમાન હોય છે,
પરંતુ હવે જ્યારે ચુકાદો આવી ગયો છે તો અમે શાંતિપૂર્ણ રીતે સુનંદાના મૃત્યુ પર શોક વ્યક્ત કરી શકીશું. તેમણે પોતાના વકીલોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.