સુપર સ્પ્રેડર બની રહેલા પોઝીટીવ દર્દીના પરિવારજનો
(દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં મ્યુનિ. અધિકારીઓ અને હોદ્દેદારોના મીસ મેનેજમેન્ટના કારણે કોરોનાનો કહેર વધ્યો છે તેમજ છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા કોરોના કેસના લગભગ ૪પ ટકા કેસ માત્ર એપ્રિલ- ર૦ર૧માં કન્ફર્મ થયા છે કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયુ છે. રાજય સરકાર “લોકડાઉન”ના પક્ષમાં નથી જયારે મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા ર૦ર૦ જેવી ચોકસાઈ અને કડકાઈ રાખવામાં આવતી નથી. ખાસ કરીને કોરોના પોઝીટીવ જાહેર થયેલા હોમ આઈસોલેટ દર્દીઓ અને તેમના પરિવારજનો પર કોઈ જ નિયંત્રણ રાખવામાં આવ્યા નથી
જેના કારણે પોઝીટીવ દર્દીઓ અને તેમના પરીવારજનો “સુપર સ્પ્રેડર” બની રહયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ- ર૦ર૦માં કન્ફર્મ થયા બાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ તેમજ કોરોના પોઝીટીવ જાહેર થનાર દર્દીને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કે હોમ આઈસોલેટ કરવામાં આવતા હતા તેની સાથે દર્દીના પરિવારજનોને પણ ૧૪ દિવસ ફરજીયાત હોમ આઈસોલેટ કરવામાં આવતા હતા જેના કારણે સંક્રમણનો વધારો રોકવામાં સફળતા મળી હતી કોરોના દર્દીના ઘરની બહાર લાલ સ્ટીકર કે અન્ય કોઈપણ પ્રકારની સુચના લગાવવા પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી તે કાર્યવાહી બંધ કરવામાં આવી છે
પરંતુ પોઝીટીવ દર્દીના પરિવારજનો ઉપર કોઈપણ નિયંત્રણ પણ રાખવામાં આવતા નથી. ચોંકાવનારી બાબત એ છે કે હોમ આઈસોલેટ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સીટી સ્કેન માટે પણ જઈ રહયા છે. પોઝીટીવ દર્દી આ રીતે બેરોકટોક ફરી રહયા હોવાથી સંક્રમણમાં વધારો થઈ રહયો હોવાનું માનવામાં આવે છે. તેવી જ રીતે પોઝીટીવ દર્દીના સ્વજનો પણ સુપર સ્પ્રેડર બની રહયા છે. હાલ કોઈ એક સ્થળે પાંચ-સાત કેસ કન્ફર્મ થયા બાદ માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવે છે
ત્યારબાદ જે તે બિલ્ડીંગ, સોસાયટી કે વિસ્તારમાં કોરોનાના વધી રહેલા સંક્રમણનો અંદાજ આવે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાના રેપીડ ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા છે જયારે આરટીપીસીઆર ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ ખાનગી લેબોરેટરીમાં કેટલા સેમ્પલ પોઝીટીવ જાહેર થાય છે તેના સાચા આંકડા તંત્રને મળતા નથી જેના કારણે પણ દર્દીઓની સાચી માહિતી તંત્ર પાસે આવતી નથી. એક અંદાજ મુજબ મ્યુનિ. ઝોન દીઠ રોજ આરટીપીસીઆરના ર૦૦ થી રપ૦ દર્દી કન્ફર્મ થાય છે.
જયારે ખાનગી લેબોરેટરીના સાચા આંકડા વધુ હોવાનું માનવામાં આવે છે. તંત્ર દ્વારા પોઝીટીવ દર્દીઓના ઉપલબ્ધ ડેટાના આધારે પણ પોઝીટીવ દર્દીના ઘરે જઈને તપાસ કરવામાં આવતી નથી તેમજ દર્દીના સ્વજનો ફરજીયાત હોમ કવોરોન્ટીનનું પાલન કરે તે માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી આ કારણોસર સંક્રમણ વધી રહયુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે એકથી બીજી હોસ્પિટલ ફરી રહયા છે. ૧૦૮ સમયસર આવતી ન હોવાથી દર્દીઓ ખાનગી વાહનોમાં હોસ્પીટલ સુધી જઈ રહયા છે. આવા સંજાેગોમાં પણ સંક્રમણ વધી શકે છે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ તમામ બાબતથી વાકેફ છે તેમ છતાં આંખ આડા કાન કરી રહયા હોવાનું માનવામાં આવે છે.